નવી દિલ્હી : બ્રિટનની કોર્ટે આજે હિરા કારોબારી નિરવ મોદીને કોઇ રાહત આપી ન હતી. નિરવ મોદી હવે ૨૪મી મે સુધી રિમાન્ડ ઉપર રહેશે. પંજાબ નેશનલ બેંક સાથે છેતરપિંડી અને મની લોન્ડરિંગના કેસમાં આરોપી રહેલા નિરવ મોદીને ૨૪મી મે સુધી વધુ રિમાન્ડ આપી દીધા છે. બ્રિટનની કોર્ટે આજે આ મુજબના રિમાન્ડ આપ્યા હતા. ૪૮ વર્ષીય નિરવ મોદી ગયા મહિનામાં ધરપકડ કરવામાં આવ્યા બાદથી દક્ષિણ પશ્ચિમ લંડનમાં વેન્ડ્સવર્થ જેલમાં સળિયા પાછળ છે. જેલમાંથી વિડિયો લિંક મારફતે વેસ્ટમિનિસ્ટર મેજિસ્ટ્રેટની કોર્ટ સમક્ષ નિરવ મોદીને રજૂ કરવામમાં આવ્યા બાદ દલીલોની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ખુબ જ ટુંકા ગાળામાં સુનાવણી ચાલી હતી. જજે તરત જ ૨૪મી મે સુધી રિમાન્ડ પર રાખવાનો આદેશ કરી દીધો હતો. જજ દ્વારા ૩૦મી મેના દિવસે સંપૂર્ણપણે સુનાવણી હાથ ધરવામાં આવશે. વેસ્ટમિનિસ્ટર મેજિસ્ટ્રેટની કોર્ટની મહિલા જજ એમ્મા દ્વારા આ મુજબનો આદેશ કરવામાં આવ્યો હતો. નિરવ મોદીની જામીન અરજીને લઇને હોબાળો થયેલો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પીએનબી કૌભાંડના મુખ્ય આરોપી નિરવ મોદીની જામીન અરજી ૨૯મી માર્ચના દિવસે ફગાવી દેવામાં આવી હતી. લંડનની કોર્ટે આને અસામાન્ય છેતરપિંડીનો કેસ ગણાવ્યો હતો. લંડનની વેસ્ટમિનિસ્ટર કોર્ટમાં સુનાવણી દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસા થયા હતા. ભારત તરફથી રજૂ થયેલા ક્રાઉન પ્રોસીક્યુશન સર્વિસના ટોબી કેડમેને લંડનની કોર્ટમાં કહ્યું હતું કે, નિરવ મોદીએ એક સાક્ષી આશિષ લાગને બોલાવીને તેને જાનથી માર નાંખવાની ધમકી આપી હતી. આ મામલાની આજે સુનાવણી ૨૬મી એપ્રિલના દિવસે હાથ ધરવામાં આવી હતી.
કેડમેને કોર્ટમાં કહ્યું હતું કે, નિરવ મોદી ભારતીય તપાસ સંસ્થાઓ સાથે સહકાર કરી રહ્યા નથી. કોર્ટમાં નિરવની જામીન અરજી ફગાવી દેવાની માંગ કરીને તેમણે કહ્યું હતું કે, નિરવ મોદીને કોર્ટ પાસથી જામીન મળવા જોઇએ નહીં. આની પાછળના કારણો છે. જામીન મળી ગયા બાદ તે દેશ છોડવાના પ્રયાસ કરશે. આ ઉપરાંત જા જેલની બહાર જશે તો પુરાવાને નષ્ટ કરવા અને સાક્ષીઓને પ્રભાવિત કરવાના પ્રયાસ કરી શકે છે. નિરવ મોદીના વકીલે કોર્ટમાં કહ્યું હતું કે, મોદી જાન્યુઆરી ૨૦૧૮થી લંડનમાં છે. લંડનમાં હોવા છતાં આ બાબત છુપાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા.