કોચી : ઉત્તર કેરળના બે જિલ્લામાં નિપાહ વાયરસના કારણે ૧૭ લોકોના મોત થયાના એક વર્ષ બાદ આ બિમારી ફરી એકવાર પ્રદેશમાં દેખાઈ રહી હોવાના અહેવાલ મળ્યા બાદ સરકાર હચમચી ઉઠી છે. ૨૩ વર્ષીય એક કોલેજના વિદ્યાર્થીમાં આ રોગના લક્ષણ દેખાયા બાદ ઉંડી શોધખોળ ચાલી રહી છે. સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. સરકારે કહ્યું છે કે, જુદા જુદા જિલ્લાના ૩૧૧ લોકો ઉપર નજર રાખવામાં આવી રહી છે. આ વિદ્યાર્થી આ ૩૧૧ લોકોના સંપર્કમાં આવ્યો હતો.
કેરળના આરોગ્ય મંત્રી કેકે શેલજાએ કહ્યું છે કે, પૂણે સ્થિત સંસ્થા એનઆઈવીમાં વિદ્યાર્થીના લોહીના નમૂનાની ચકાસણી કરવામાં આવી રહી છે. તપાસના રિપોર્ટ આવી ગયા છે. આ પહેલા પણ રિપોર્ટના નમૂના લેવામાં આવ્યા હતા. સરકારે કહ્યું છે કે, જે ત્રણ ચાર લોકોએ વિદ્યાર્થીની સારવાર કરી હત તેમની પણ તપાસ ચાલી રહી છે. કુલ ૩૧૧ લોકોની યાદી તૈયાર કરવામાં આવી છે.