દિલ્હી, હૈદરાબાદ અને પુણે બાદ હવે ભુવનેશ્વર રાષ્ટ્રીય સૂચના વિજ્ઞાન કેન્દ્ર (એનઆઈસી)નું ચોથુ રાષ્ટ્રીય ડેટા સેંટર બનાવવામાં આવ્યું છે. આ ક્લાઉડ-સક્ષમ નવા રાષ્ટ્રીય ડેટા સેંટરનું લક્ષ્ય કેન્દ્ર અને રાજ્ય સરકારોના વિભિન્ન ઈ-ગર્વનેંસ એપ્લિકેશન્સ માટે સુરક્ષિત હોસ્ટિંગની સાથે ચોવીસ કલાક પોતાની સુવિધાઓ પ્રદાન કરવાનું છે. આ ડેટા સેંટર ૩૫,૦૦૦ વર્ચુઅલ સર્વરોનું સંચાલન સરળ રીતે કરવા માટે સક્ષમ છે.
આ ડેટા સેંટરનું લોકાર્પણ કરતા કેન્દ્રીય ઇલેકટ્રોનિક્સ તથા આઈંટી મંત્રી રવિ શંકર પ્રસાદે જણાવ્યું કે ભુવનેશ્વર સ્થિત આ ડેટા સેંટર વૈશ્વિક માપદંડો પ્રમાણે છે. નવા રાષ્ટ્રીય ડેટા સેંટરના મહત્વ પર વિશેષ બળ આપતા પ્રસાદે જણાવ્યું કે ડેટા સેંટરની વિશેષ જરૂરિયાત હોય છે, કારણ કે ડેટાની સુરક્ષા ખૂબ જ જરૂરી છે અને આઈંટી સંબંધી પરિતંત્રમાં ડેટા સેંટર કોઇપણ રાજ્ય અથવા સ્થાનની ડિજીટલ ક્ષમતાને વધારે છે અને તેની સાથે તેના વૈશ્વિક પ્રવેશને મજબૂત બનાવે છે.
એનઆઈસીની ડિરેક્ટર જનરલ નીતા વર્માએ આ ડેટા સેંટરને લોંચ કર્યાના પ્રસંગે જણાવ્યું કે એનઆઈસી દ્વારા માઇગવ, ઈવે-બિલ, સાર્વજનિક નાણાકીય પ્રબંધન પ્રણાલી અને ઇ-હોસ્પિટલ્સ સહિત વિભિન્ન સરકારી એપ્સને હોસ્ટ કરતા કમ્પુટિંગ અને સ્ટોરેજની માંગ થઇ ઘણી વધી ગઇ છે. દેશભરમાં સ્થિત એનઆઈસીના વિભિન્ન કેન્દ્રોમાં હાલમાં ૪૫૦૦ કર્મચારીઓ કાર્યરત છે અને એનઆઈસી આવનારા વર્ષમાં ૮૦૦ પ્રોફેશનલ્સની ભરતી કરશે, જેમાં ૩૫૫ સાઇબર સુરક્ષા વિશેષજ્ઞનો પણ સમાવેશ થાય છે. તેની પાછળનો મુખ્ય ઉદ્દેશ સાઇબર સુરક્ષા સામે વધતા ખતરા સામે સામનો કરવાનો છે. એનઆઈસી સમસ્ત સરકારી સેવાઓને આવશ્યક તકનીકી મદદ પ્રદાન કરાવે છે અને સરકારની લગભગ ૧૦,૦૦૦ વેબસાઇટ્સને હોસ્ટ કરે છે.