હૈદરાબાદમાં મક્કા મસ્જિદમાં ૨૦૦૭માં થયેલા બોમ્બ ધડાકા કેસના તમામ પાંચ આરોપીઓને નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની વિશેષ કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. કોર્ટના ચૂકાદા પછી હૈદરાબાદમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા એલર્ટ જારી કરાયો હતો.
હૈદરાબાદની મક્કા મસ્જિદમાં ૧૮ મે, ૨૦૦૭ના દિવસે શુક્રવારની નમાઝ વખતે બોમ્બ ધડાકો થયો હતો. તેમાં ૯ લોકોના મોત થયા હતા અને ૫૮ને ઈજા થઈ હતી. એ કેસની તપાસ શરૃઆતમાં સીબીઆઈ દ્વારા થતી હતી. તે પછી ૨૦૧૧માં NIAને તપાસ સોંપવામાં આવી હતી.
મસ્જિદના બોમ્બ બ્લાસ્ટ કેસમાં કુલ પાંચ આરોપીઓ ઉપર આરોપનામુ ઘડાયું હતું. NIAની વિશેષ કોર્ટમાં કેસની સુનાવણી થઈ હતી. તપાસ એજન્સી NIAને આરોપીઓ વિરૃદ્ધ કોઈ પુરાવા મળ્યા ન હોવાથી વિશેષ કોર્ટે સ્વામી અસીમાનંદ, લોકેશ શર્મા, ભારત મોહનલાલ રત્નેશ્વર, રાજેન્દ્ર ચૌધરી અને દેવેન્દ્ર ગુપ્તા – એમ પાંચ મુખ્ય આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા.
કોર્ટના ચૂકાદા પછી હૈદરાબાદમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે એલર્ટ જારી કરવામાં આવ્યો હતો. કોમી હિંસા ન ભડકે તે માટે પોલીસે ચાંપદો બંદોબસ્ત ગોઠવ્યો છે. સંવેદનશીલ શહેરમાં સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે પોલીસે અર્ધલશ્કરી દળોના ૩૦૦૦ જવાનોને ગોઠવ્યા હતા.
દરમિયાન મક્કા મસ્જિદ બ્લાસ્ટ કેસનો ચૂકાદો આપનારા NIA કોર્ટના જસ્ટિસ રવિંદર રેડ્ડીએ અંગત કારણોથી રાજીનામુ આપ્યું હતું. આંધ્રપ્રદેશના હાઈકોર્ટના મુખ્ય જસ્ટિસને NIAના વિશેષ કોર્ટના ન્યાયધિશ રવિંદર રેડ્ડીએ રાજીનામુ મોકલી આપ્યું હતું.