NIAએ ૨૦૨૨માં ૭૩ કેસ નોંધી બનાવ્યો રેકોર્ડ, ૪૫૬ લોકોની કરી ધરપકડ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ ૨૦૨૨માં રેકોર્ડ ૭૩ કેસ નોંધ્યા હતા, જે ૨૦૨૧ માં નોંધાયેલા ૬૧ કેસ કરતાં ૧૯.૬૭ ટકા વધુ છે. આ કેસોમાં જમ્મુ અને કાશ્મીર, આસામ, બિહાર, દિલ્હી, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં જેહાદી આતંકના ૩૫ કેસ સામેલ છે. આ કેસોમાંથી ૧૧ જમ્મુ અને કાશ્મીર, ૧૦ ડાબેરી ઉગ્રવાદ, પાંચ નોર્થ ઈસ્ટ, સાત કેસો પ્રતિબંધિત સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા, ચાર પંજાબ, ત્રણ ગેંગસ્ટર-ટેરર-ડ્રગ નેક્સસ સંબંધિત છે જ્યારે એક કેસ આતંકી સાથે સંબંધિત છે. ભંડોળ અને નકલી ભારતીય ચલણી નોટોને લગતા બે કેસ હતા. આતંકવાદ વિરોધી એજન્સીએ પણ આ વર્ષે ૩૬૮ લોકો સામે ૫૯ ચાર્જશીટ દાખલ કરી અને ૧૯ ફરાર સહિત ૪૫૬ આરોપીઓની ધરપકડ કરી છે.

NIA અનુસાર, તેણે બે આરોપીને દેશનિકાલ પર અને એકને વિદેશથી પ્રત્યાર્પણ બાદ ધરપકડ કરી હતી. NIAએ જણાવ્યું હતું કે, ભારતભરની વિવિધ અદાલતોએ ૨૦૨૨માં ૩૮ કેસોમાં ચુકાદા આપ્યા હતા અને તે તમામને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. NIAએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી એકંદરે દોષિત ઠેરવવાનો દર ૯૪.૩૯ ટકા છે. કેન્દ્રીય એજન્સીએ જણાવ્યું હતું કે, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ, ૨૦૨૨ હેઠળ આઠ લોકોને વ્યક્તિગત આતંકવાદી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને તેમની સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.  જણાવી દઈએ કે, NIAએ ૧૮-૧૯ નવેમ્બર ૨૦૨૨ના રોજ ૩જી મંત્રી સ્તરીય ‘નો મની ફોર ટેરર’ કોન્ફરન્સનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું, જેમાં ૭૮ દેશો અને ૧૬ બહુપક્ષીય સંગઠનોએ ભાગ લીધો હતો.

Share This Article