નેલ્શન : નેલ્શન ખાતે આજે રમાયેલી ત્રીજી વનડે મેચમાં ન્યુઝીલેન્ડે શ્રીલંકા ઉપર શાનદાર જીત મેળવી હતી. ન્યુઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા ચાર વિકેટે ૩૬૪ રન બનાવ્યા હતા જેમાં ટેલરે ૧૩૧ બોલમાં નવ ચોગ્ગા અને ચાર છગ્ગા સાથે ૧૩૭ રન કર્યા હતા જ્યારે નિકોલસે ૧૨૪ રન કર્યા હતા. આ મેચમાં પણ ન્યુઝીલેન્ડના બેટ્સમેનો છવાયેલા રહ્યા હતા. શ્રીલંકાના બેટ્સમેનો ટાર્ગેટને પીછો કરવામાં ફરી નિષ્ફળ રહ્યા હતા અને સમગ્ર ટીમ ૨૪૯ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. ન્યુઝીલેન્ડે ત્રણ મેચોની શ્રેણી ૩-૦થી જીતી લીધ હતી. મેન ઓફ દ મેચ તરીકે રોસ ટેલરની પસંદગી કરવામાં આવી હતી.
શ્રીલંકાએ આજે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો પરંતુ આ નિર્ણય આત્મઘાતી પુરવાર થયો હતો. અગાઉ માઉન્ટ ખાતે પાંચમી જાન્યુઆરીના દિવસે રમાયેલી બીજી ડે નાઈટ વન ડે મેચમાં ન્યૂઝિલેન્ડે શ્રીલંકા ઉપર ૨૧ રનથી જીત મેળવી હતી. આની સાથે જ શ્રેણીમાં ૨-૦ની લીડ મેળવી લીધી હતી. ન્યૂઝિલેન્ડ તરફથી મુનરોએ ૮૭ અને ટેલરે ૯૦ રન ફટકાર્યા હતા. નિસામે નિર્ણાયક તબક્કામાં ઝંઝાવતી બેટીંગ કરીને ૬૪ રન કર્યા હતા.
ન્યૂઝિલેન્ડે નિર્ધારીત ૫૦ ઓવરમાં સાત વિકેટે ૩૧૯ રન કર્યા હતા. જેના જવાબમાં શ્રીલંકાની ટીમ લડાયક બેટીંગ કરીને ૨૯૮ રન બનાવી શકી હતી. જાકે તેની ૨૧ રને હાર થઈ હતી. તે પહેલા ન્યુઝીલેન્ડે શ્રીલંકા ઉપર ૪૫ રને જીત મેળવી હતી. પ્રથમ વન ડે મેચમાં ન્યુઝીલેન્ડના ઓપનિંગ બેટ્સમેન માર્ટિન ગુપ્ટિલે ૧૧ ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી ઝંઝાવતી ૧૩૮ રન ફટકાર્યા હતા જ્યારે વિલિયમસને ૭૬ અને ટેલરે ૩૭ બોલમાં ૫૪ રન ફટકાર્યા હતા. વનડે પહેલા ટેસ્ટ શ્રેણીમાં પણ ન્યુઝીલેન્ડે ચર્ચા જગાવી હતી.