જલારામજયંતિની વધાઇ સાથે અયોધ્યાનાં રામલલ્લાને આજીવન વીરપુરનો રોટલો ધરાવાશે એ સંકલ્પની વાત બાપુએ કહી

KhabarPatri News
By KhabarPatri News 5 Min Read

બીજા દિવસની રામકથાના પ્રારંભે જલારામજયંતિની વધાઈને યાદ કરતા બાપુએ કહ્યું કે વીરપુર જલારામ બાપાના બુંદવંશની પરંપરામાં ગાદીપતિ રઘુરામબાપાએ એક સંકલ્પ કરેલો: અયોધ્યામાં રામમંદિર બની રહ્યું છે.જ્યારે રામલલ્લા બિરાજમાન થશે એ વખતે એના ભોજન માટે જ્યાં સુધી શક્ય બનશે વીરપુરનો રોટલો પહોંચાડવામાં આવશે.

રઘુરામબાપાએ કહ્યું કે જ્યારે ભગવાન વીરપુર આવેલા અને ભૂખ્યા ચાલ્યા ગયેલા, જલારામબાપાનું વ્રત હતું કે દરેકને રોટલો ખવડાવવો પણ ભગવાન ભૂખ્યા ગયેલા એટલે હવે અત્યારના સ્વરૂપને પણ વીરપુરનો પ્રસાદ પહોંચે છે અને જ્યારે નવા મંદિરમાં રામલલ્લા બિરાજમાન થશે ત્યારે તેના પ્રસાદ-ભોજન માટે વીરપુરનો રોટલો પહોંચશે.આ વાત રામમંદિર સમિતિના મુખિયા ચંપતરાયજીએ પણ સ્વીકારેલી છે.બધાને જલારામ જયંતિની વધાઈ સાથે બાપુએ કહ્યું કે તમારાથી પણ તમારા ગુરુને વધારે સમજે અને સન્માનથી તમારું સેવન કરે તેના હૃદયમાં નિવાસ કરજો એ પંક્તિ તથા બીજી પંક્તિમાં ભરતજી ગુરુ વિવેકનો સાગર છે વિશ્વના તમામ રહસ્યો જેની મુઠ્ઠીમાં છે એ વાત કરે છે.અહીં મનુસ્મૃતિમાં યજ્ઞ કરવાના અધિકાર માટે વિવિધ નિયમો વિશેનો પ્રશ્ન પૂછાયો.અમુક-અમુક પ્રતિબંધ લગાવેલા છે.બાપુએ કહ્યું કે દરેક ગ્રંથ દેશ,કાળ અને પાત્ર જોઈને રચાતા હોય છે. કન્યાને યજ્ઞનો પ્રતિબંધ છે એ વાત પર બાપુએ કહ્યું કે વિવાહિત કન્યાએ પરિવાર,ઠાકોરજી અને અતિથિ માટે ભોજન પકાવવું એ જ એનો યજ્ઞ છે. અહીં અધિકારની વાત નહીં પણ યજ્ઞની જરૂર જ નથી એ વાત સમજવાની છે. ચૈતન્ય ચરિત્રામૃતમાં ગૌરાંગના સંન્યાસ ગ્રહણ વિશેની વાત પણ લખેલી છે.એ વખતે ચૈતન્યની ખૂબ જ નિંદા થઈ ત્યારે ચૈતન્યએ વિચાર્યું કે નિંદક પણ મારી વંદના કરે.જો કે વંદના કરાવવાનો ભાવ ન હતો પરંતુ નિંદક સન્યાસિની વંદના ન કરે ત્યાં સુધી એના પાપ કપાતા નથી આથી એ પ્રકારની સંન્યાસ પ્રક્રિયા વિચારી.એ વખતે કેશવભારતીજી આવ્યા સાંભળીને ગૌરાંગ દોડ્યા અને કહ્યું કે મને સંન્યાસ પ્રદાન કરો! કેશવ ભારતીજીએ કહ્યું કે તમે મારા ઠાકોર છો તો પણ આપ આદેશ કરો તો સંન્યાસ પણ પ્રદાન કરું.કઠોર સંન્યાસની કળિયુગમાં પણ મનાઇ છે.આમિષ શ્રાદ્ધ કરવાની પણ કળિયુગમાં મનાઇ છે,કોઈ કાળમાં આ પરંપરા હતી.માંસ દ્વારા પિંડદાન અપાતું.તલગાજરડા કોઈપણ કાળની આ પરંપરા સ્વીકારતું નથી.સંન્યાસીને આશ્રમ તો શું ઝૂંપડી પણ ન બનાવવી એવા નિયમો હતા.અહીં નારીને ન જોવાની વાત નથી પણ જે દ્રશ્યથી આસક્તિ વધે એવું દ્રશ્ય ન જોવું એવું કહેવાયું છે. દેહનું આકર્ષણ વિશે બાપુએ કહ્યું કે આંખ બરાબર હોવી જોઈએ.ગુનો કોઈના રૂપનો નહીં આપણી નજરનો છે.કારણ કે રૂપ આપણે નથી આપ્યું. કૂદ્રષ્ટિ આપણે આપી છે, રૂપ તો રૂપેશ્વરે આપેલું છે.ઈશ્વર એવા લોકોની આંખોમાં વસે છે જે ક્યારેય વિકાર તરફ ગઈ જ નથી.રામને ઘણા ચરણમાં રાખવા માંગે છે, કોઈ હાથમાં તો કોઈ બુદ્ધિમાં રાખવા માંગે છે. પણ વનવાસી ભોળા માણસો રામને પોતાની આંખમાં રાખવા ઈચ્છે છે કારણ કે જીભ સ્મરણ કરે તો ક્યારેય જૂઠું નહીં બોલે આંખ સ્મરણ કરશે તો વિકાર નહીં આવે.

તસલ્લી ન દો સિર્ફ બૈઠે રહો,
હો સકતા હે મૌત કા સમય ભી ચૂક જાયેગા!


બીજું આકર્ષણ દિલનું આકર્ષણ છે. ત્રીજું દિવ્ય આકર્ષણ-પરમ જ્યોતિ,પરમપદ તરફનું આકર્ષણ છે.ક્યારેક દેવમૂર્તિનું પણ આકર્ષણ પરંતુ આ બધાથી અંતે દિવ્ય સુધી જવાનું છે. સતત ગતિમાં રહેવું જોઈએ.શરૂઆત દેહથી અને દિવ્ય સુધી પહોંચવાનું છે.કળિયુગમાં કૃષ્ણ નામ હરિનામ.જે નામ પસંદ છે કારણ કે આમાં બધા જ યજ્ઞ,વિધિ-વિધાન આવી જાય છે.ચૈતન્ય મહાપ્રભુ જ્યારે નામ સંકિર્તન કરતા હતા તો એ ગાયો કે જે કૃષ્ણની પાછળ દોડવાની આદતી હતી એ ગૌરાંગની પાછળ ભાગતી હતી.નામીને છોડીને નામની પાછળ ભાગવા માંડતી હતી.કૃષ્ણ રોવડાવવા સિવાય કંઈ કરતો નથી એનો એકમાત્ર સ્વભાવ છે તમને રડાવે. આપણે નીશદિન ભૂલો કરીએ છીએ આ ભૂલોના નિવારણનો એકમાત્ર શાશ્વત ઉપાય છે:હરિનામ. અહીં કથા પંક્તિમાં સકલભાવ શબ્દ લખ્યો છે. આપણા મનમાં કેટલાય ભાવ હોય છે.એક છે: સદભાવ-ગુરુને સદભાવથી સેવવા જોઈએ આપણા બુદ્ધપુરુષ પ્રત્યે દુર્ભાવ પણ આપણને આવતો હોય છે. બીજો છે:સાધુભાવ.ત્રીજો-ચંદ્રભાવ:મતલબ શીતળ ભાવથી સેવન કરવું,ઉગ્રભાવ નહીં.ચોથો- ભદ્રભાવ-કલ્યાણકારી મંગલકારી ભાવ.પાંચમો-દગ્ધ ભાવ-વરસની આંખો અને વિરહાગ્નિથી સેવન કરવું. કોઈ પણ ભાવ,પણ સાહજિક હોવો જોઈએ. સ્વભાવિક ગતિથી સેવન કરવું જોઈએ.એક શુદ્ર ભાવ છે.જે પણ ભાવથી ભજન કરીએ.બુદ્ધપુરુષને કહી દેવું જોઈએ.અરે ક્રોધ પણ કરવો હોય કે ખરાબ ભાવના આવે એ પણ કહી દેવી જોઈએ.એકવાર ગુરુને કહી દીધું!વાત ખતમ! જાણે કે ગર્ભગૃહમાં પ્રવેશ મળી ગયો.
બાલકાંડમાં વિશેષ પાંચ પ્રકરણમાં પહેલું છે:વંદના પ્રકરણ.ત્યાં આદિ મધ્ય અને અંતમાં વંદનાનો ભાવ છે.


Share This Article