હેમિલ્ટન : હેમિલ્ટન ખાતે આજે રમાયેલી ચોથી વનડે મેચમાં ન્યુઝીલેન્ડે ભારત પર આઠ વિકેટે જીત મેળવી હતી. ભારતીય ટીમે આજે ખુબ કંગાળ દેખાવ કર્યો હતો. સમગ્ર ટીમ ૩૦.૫ ઓવરમાં માત્ર ૯૨ રન કરીને આઉટ થઇ ગઇ હતી. જેના જવાબમાં ન્યુઝીલેન્ડની ટીમે ૧૪.૪ ઓવરમાં બે વિકેટ ગુમાવીને આ રન બનાવી લીધા હતા. આની સાથે જ ભારતની કારમી હાર થઇ હતી. ૨૧૨ બોલ ફેંકવાના બાકી હતા ત્યારે યજમાન ન્યુઝીલેન્ડે જીત મેળવી હતી. ન્યુઝીલેન્ડના ઝડપી બોલર બોલ્ટે ૧૦ ઓવરમાં જારદાર તરખાટ મચાવીને ૨૧ રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. ગ્રાન્ડહોમે ૨૬ રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. ન્યુઝીલેન્ડે જારદાર દેખાવ આજની મેચમાં કર્યો હતો. ટેલર ૩૭ રન કરીને નોટઆઉટ રહ્યો હતો.
નિકોલસ ૩૦ રન કરીને અણનમ રહ્યો હતો. આજની મેચમાં એમએસ ધોની અને વિરાટ કોહલી રમ્યા ન હતા. જા કે બાકીના સ્ટાર ખેલાડી ફ્લોપ રહ્યા હતા.તે પહેલા માઉન્ટ મોનગાનુઈમાં રમાયેલી ત્રીજી મેચમાં ભારતીય ટીમે જારદાર દેખાવ કર્યો હતો. યજમાન ટીમ ૪૯ ઓવરમાં ૨૪૩ રન કરીને ઓલઆઉટ થઇ ગઈ હતી. ત્યારબાદ રોહિત શર્માના ૬૨ અને વિરાટ કોહલીના ૬૦ રનની મદદથી ભારતે ૪૩ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને જીતવા માટેના જરૂરી રન ૨૪૫ રન કરીને મેચ જીતી લીધી હતી.
આની સાથે જ ભારતે ન્યુઝીલેન્ડમાં ૧૦ વર્ષના લાંબાગાળા બાદ દ્વિપક્ષીય શ્રેણી પોતાના નામ ઉપર કરી હતી. આ પહેલા વર્ષ ૨૦૦૯માં પોતાના નામ ઉપર શ્રેણી કરી હતી. ચોથી મેચ ન્યુઝીલેન્ડે જીતી લીધા બાદ શ્રેણીમાં ભારત ૩-૧ની લીડ ધરાવે છે. હવે પાંચમી વનડે મેચ ત્રીજી ફેબ્રુઆરીના દિવસે રમાશે. સતત ત્રીજી મેચ જીતીને ભારતે ઉલ્લેખનીય સફળતા મેળવી હતી. ભારતીય ટીમે હાલમાં જ ઓસ્ટ્રેલિયામાં પણ વનડ શ્રેણી જીતી હતી. ૭૦ વર્ષના ગાળા બાદ ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી પણ જીતવામાં સફળ રહી હતી. વિદેશી મેદાન ઉપર ભારતીય ટીમે સતત બીજી વનડે શ્રેણી જીતી છે. યજમાન ન્યૂઝીલેન્ડની ટીમે હાલમાં જ શ્રીલંકાની સામે ૩-૦થી જારદાર જીત મેળવી છે.