૯/૧૧ બાદ બે યુદ્ધ થયા અને લાખો લોકોના મોત

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

વોશિંગ્ટન : ૧૧મી સપ્ટેમ્બર ૨૦૦૧ના દિવસે વિશ્વ ઇતિહાસનો એક કાળો દિવસ રહ્યો હતો જે દિવસે બીજા વિશ્વ યુદ્ધ બાદ દુનિયાનો સૌથી મોટો હુમલો કરાયો હતો. ત્રાસવાદી હુમલાના લીધે અમેરિકાએ ત્યારબાદ જે કાર્યવાહી કરી હતી તે પણ દાખલારુપ બની હતી. દુનિયાને આ ત્રાસવાદી હુમલો ખુબ ખર્ચાળ અને મોંઘો પુરવાર થયો હતો. ત્યારબાદ અમેરિકાએ ત્રાસવાદીઓનો ખાત્મો બોલાવવા અફઘાનિસ્તાન અને ઇરાકમાં જે યુદ્ધ લડ્યા હતા તેમાં પણ લાખો લોકોના મોત થઇ ગયા હતા. અનેક પઢીઓ તબાહ થઇ ગઇ હતી. આના કારણે ઇસ્લામો ફોબિયાનો જે માહોલ સર્જાયો હતો તેના કારણે પણ તંગદિલી દુનિયાભરમાં સર્જાઈ હતી. અમેરિકા સાથે લડવાના નામ ઉપર લાદેનના મોત બાદ આઈએસ જેવા કટ્ટરપંથી સંગઠનો ઉભા થઇ ગયા છે.

આઈએસે દુનિયાના ઘણા દેશોમાં હાલમાં હુમલા કરીને વિશ્વના દેશોને હચમચાવ્યા છે.  આ જંગ લિબિયાથી પસાર થઇને આજે સિરિયા સુધી પહોંચી ગયો છે. આસપાસના તમામ વિસ્તારમાં આંતરવિગ્રહની સ્થિતિ જોવા મળી રહી છે. ૯-૧૧ના દિવસે ૧૯ આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. ચાર પેસેન્જર વિમાનોનું અપહરણ કરાયું હતું જે પૈકી ત્રણ વિમાન યોગ્ય ટાર્ગેટ ઉપર પડ્યા હતા. બે યાત્રી વિમાનોને વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટાવર સાથે અથડાવવામાં આવ્યા હતા જ્યારે ત્રીજા વિમાનને પેન્ટાગોનમાં લઇ જવાયું હતું.

ચોથું વિમાન પેન્સિલવેનિયામાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ હુમલામાં માર્યા ગયેલા લોકો ૫૭ દેશોના હતા. સૌથી વધુ અમેરિકી લોકો ટાર્ગેટ બન્યા હતા. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હુમલામાં માર્યા ગયેલા લોકોને આજે શ્રદ્ધાંજલિ આપી હતી. મોદીએ ટ્વિટર પર કહ્યું છે કે, ૧૧મી સપ્ટેમ્બરના દિવસે બે વિનાશકારી યાદ તાજી થાય છે. જે પૈકી એક હુમલાની યાદ પણ છે.

Share This Article