ન્યુયોર્ક : ૧૧મી સપ્ટેમ્બર ૨૦૦૧ના દિવસને માનવીય ઇતિહાસ કયારેય ભુલી શકે તેમ નથી. ન્યુયોર્ક શહેરજ નહીં બલ્કે દુનિયા આ ત્રાસવાદી હુમલાના કારણે હચમચી ઉઠી હતી. ન્યુયોર્કના ટ્વિન ટાવર વર્લ્ડ ટ્રેડ સેન્ટર અને પેન્ટાગોન પર ત્રાસવાદી હુમલા એકસાથે કરવામાં આવ્યા હતા. જેમાં હજારો લોકોના મોત થયા હતા. આ ભીષણ ત્રાસવાદી હુમલાના ૧૯ વર્ષ બાદ પણ ન્યુયોર્કની એક લેબમાં જે મૃતકોની ઓળખ કરવામાં આવી નથી તે તમામની ઓળખ કરવાના પ્રયાસ ચાલી રહ્યા છે. માર્યા ગયેલા લોકો પૈકી ૧૦૦૦ લોકોની ઓળખ તો ૧૯ વર્ષ બાદ પણ કરવામાં આવી નથી.
ન્યુયોર્કની એક લેબમાં મૃતકોના ડીએનએ ટેસ્ટ માટે તમામ સંભવિત વૈજ્ઞાનિક ઉપાય કરવામાં આવી રહ્યા છે. હાડકાના અવશેષ જે કાટમાળ હેઠળથી મળ્યા હતા તેમને પાઉડરમાં ફેરવી કાઢીને જુદી જુદી રસાયણિક પ્રક્રિયાઓ માટે ટ્યુબમાં નાંખવા, બીજા કેમિકલ મારફતે સેમ્પલો તૈયાર કરવા અને ત્યારબાદ એવા મશીનમાં મુકવામાં આવી રહ્યા છે જેના કારણે ડીએનએ અંગે માહિતી મળી શકે. ૧૯ વર્ષ બાદ પણ લેબના વૈજ્ઞાનિકો અને કામ કરનાર અન્ય લોકોને હજુ સુધી સફળતા મળી રહી નથી. આ લોકો મૃતકોની ઓળખ કરવાના તમામ પ્રયાસો કરી રહ્યા છે. લેબના એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપતા કહ્યુ છે કે હાડકાના બચી ગયેલા અવશેષ મારફતે ડીએનએ ટેસ્ટ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.
માત્ર આ અવશેષ મારફતે ડીએનએ નક્કી કરવાની બાબત સરળ નથી. આ ભયાનક ત્રાસવાદી હુમલામાં ૨૨૦૦૦ શરીરના ટુકડા મળ્યા હતા. જેમની હજુ સુધી ૧૦થી ૧૨ વખત તપાસ કરવામાં આવી ચુકી છે. આધુનિક ટેકનોલોજીના પ્રયોગ કરવામાં આવ્યા હોવા છતાં માત્ર ૧૬૪૨ લોકોની ઓળખ જ થઇ છે. હજુ કેટલાક પડકારો તપાસકારો સામે દેખાઇ રહ્યા છે.