બાબા વિશ્વનાથના શહેર બનારસમાં હિન્દુ નવ વર્ષની શરુઆત ખાસ રીતે કરવામાં આવી હતી. કાશીના ઘાટ પર ભગવાન સૂર્યના પ્રથમ કિરણની સાથે બટુક અને સંતોએ જળ અર્પણ કર્યા અને બાદમાં સૂર્યનમસ્કાર સાથે નવા વર્ષનું સ્વાગત થયું. સૂર્ય નમસ્કાર કરતા પહેલા બટુકોએ બેન્ડની ધુન વચ્ચે ઝંડારોહણ પણ કર્યું. આ દરમ્યાન વૈદિક મંત્રોથી બનારસ ઘાટ ગૂંજી ઉઠ્યો. આ અવસર પર શંકરાચાર્ય સ્વામી અવિમુકતેશ્વરાનંદ સરસ્વતીએ સનાતની પંચાંગનું વિમોચન પણ કર્યું હતું. વારાણસીના શંકરાચાર્ય ઘાટ પર બટુક એક રંગના ખાસ પરિધાનમાં ભગવાન સૂર્યને નમસ્કાર કરી નવા વર્ષના સ્વાગત કરતા દેખાયા હતા. આ દરમિયાન ઘાટની સીડીઓ પર ફુલથી નવ સંવત્સર ૨૦૮૦ની તસ્વીર બનાવી હતી. જે લોકોના આકર્ષણનું કેન્દ્ર રહી હતી. હિન્દુ નવ વર્ષના આ ખાસ આયોજનમાં તમામ વર્ગના લોકો હાજર રહ્યા હતા.
બનારસના શંકરાચાર્ય ઘાટ ઉપરાંત દશાશ્વમેઘ અને અસ્સી ઘાટ પર પણ વિવિધ આયોજન થયા હતા. ગંગા આરતીની સાથે હવન પૂજન પણ થયાં. યજ્ઞની આહુતીઓની વચ્ચે લોકોએ દેશની સમૃદ્ધિ અને સુખ શાંતિની કામના પણ કરી. આ દરમિયાન હર હર મહાદેવનો જયઘોષ સંભળાયો. શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ જણાવ્યું કે, ચૈત્ર શુક્લ પ્રતિપદથી જ હિન્દુ નવ વર્ષની શરુઆત થા છે. આ દિવસે જ ભગવાન બ્રહ્માએ સૃષ્ટિની રચના કરી હતી. એટલા માટે આ દિવસ સનાતનિયો માટે ખૂબ ખાસ છે. નવ સંવત્સરથી વાસન્તિકની શરુઆત પણ થઈ જાય છે.