નવી દિલ્હી : તાજેતરમાં જ યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં હિન્દી પટ્ટાના ત્રણ રાજ્યોમાં પાર્ટીની હાર થયા બાદ હવે ભાજપે ત્રણ પૂર્વ મુખ્યપ્રધાનોના કદમાં ફેરફાર કરવા માટેની તૈયારી કરી લીધી છે. પાર્ટીએ નક્કી કર્યુ છે કે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તિસગઢના પૂર્વ મુખ્યપ્રધાનો ક્રમશ વસુન્ધરા રાજે, શિવરાજ સિંહ ચૌહાણ અને રમણસિંહને રાજ્યોમાં નહીં બલ્કે કેન્દ્રમાં મોટી જવાબદારી સોંપવામાં આવનાર છે.
પાર્ટીએ નક્કી કર્યુ છે કે ત્રણેય નેતાઓને પ્રતિપક્ષના નેતા પદઆપવામાં આવનાર નથી. છત્તિસગઢમાં તો પાર્ટીએ પૂર્વ મુખ્યપ્રધાન રમણસિંહની જગ્યાએ ધર્મપાલ કૌશિકને મોટી જવાબદારી સોંપીને કદમાં ફેરફાર કરવા માટેની યોજના બનાવી છે. સુત્રોએ માહિતી આપતા કહ્યુ છે કે ભાજપની હાલમાં સંસદીય બોર્ડની બેઠકમાં એવો નિર્ણય કરવામાં આવ્યો હતો કે લાંબા સમય સુધી કોઇ એક નેતાને એક જ હોદ્દા પર રહેવા દેવામાં આવશે નહીં. બીજા નેતાઓને પણ જવાબદારી સોંપવામાં આવે તે જરૂરી છે.
આના કારણે કાર્યકરોમાં સારા સંદેશ જશે. ભાજપમાં દરેક નેતાનુ મહત્વ છે તેવા સંદેશ જશે. એવા સમાચાર પણ મળી રહ્યા છે કે રાજસ્થાનમાં વસુન્ધરા રાજે તો હજુ પણ કેન્દ્રિય નેતૃત્વના આદેશોની અવગણના કરી રહી છે. ટિકિટ વહેંચણીમાં પણ કેન્દ્રિય નેતૃત્વના આદેશના બદલે આ નેતાઓએ પોતાની ઇચ્છાથી કામ કર્યુ હતુ. હાર બાદ પાર્ટી નેતૃત્વને લાગે છે કે રાજ્યોમાં પાર્ટી એક એક નેતાના ભરોસે ચાલે તે યોગ્ય નથી. ભાજપે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં તો નવા નેતાઓને મોટી જવાબદારી સોંપવામાં આવી ચુકી છે. ત્રણેય નેતાઓએ વિધાનસભાની ચૂંટણી દરમિયાન પૂર્ણ તાકાત લગાવી દીધી હોવા છતાં તેમની હાર થઇ હતી.