લોકો સંરક્ષિત સ્મારકો અને હેરિટેજ સ્થળોની મુલાકાતને યાદગાર બનાવવા માટે તે સ્થળે તેમની ઉપસ્થિતિને કેમેરામાં કંડારી દેતા હોય છે. પરંતુ ઘણા સ્થળ પર ફોટોગ્રાફીની મનાઇ જોવા મળતી હોય છે. તો હવે સારા સમાચાર સામે આવી રહ્યા છે કે આવા સ્થળો પર ફોટોગ્રાફી માટેની પરવાનગી આપવામાં આવી છે.
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણએ આજે નવા આદેશો પ્રસિદ્ધ કરતાં સંરક્ષિત સ્મારકો અને હેરિટેજ સ્થળોએ ફોટોગ્રાફી કરવાની પરવાનગી આપી દીધી છે. પરંતુ ત્રણ સ્થળો અજંતા ગુફા, લેબ પેલેસ અને તાજમહેલના પરિસરમાં ફોટોગ્રાફી કરી શકાશે નહિં.
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગની સત્તામાં અને સંચાલનમાં ૩,૬૦૦થી વધુ પ્રચીન સ્મારક અને પુરાતત્વ સ્થળોનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે નવી દિલ્હીમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના નવા મુખ્ય કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે પ્રવાસીઓને હેરિટેજ સ્થળો અને સ્મારકોમાં ફોટોગ્રાફી લેવાની પરવાનગી નહિં હોવા પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતુ.