આધાર કાર્ડ બાબતે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી (યુઆઇડીએઆઇ)ના સીઇઓ અજય ભૂષણ પાંડેએ સુપ્રીમ કોર્ટમાં બચાવ કર્યો તેના થોડા દિવસમાં જ નવા ડેટા લીકનો કિસ્સો સામે આવ્યો છે.
દિલ્હી સ્થિત સિક્યોરિટી રિસર્ચરે જણાવ્યું હતું કે આ સિસ્ટમમાંથી થતા ડેટા લીકેજના લીધે કોઈપણ વ્યક્તિ બધા આધારકાર્ડ ધારકોની ખાનગી માહિતી ડાઉનલોડ કરી શકે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે હેકર આધાર કાર્ડધારકનું નામ મેળવી શકે, તેનો નંબર મેળવી શકે, તેઓ કઈ સેવા સાથે સંકળાયેલા છે તે મેળવી શકે, તેની બેન્ક વિગતો અને અન્ય ખાનગી માહિતી મેળવી શકે. તેણે જણાવ્યું હતું કે તેઓ મહિનાથી સત્તાવાળાઓનો સંપર્ક સાધવા પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ કોઈએ તેમના દ્વારા વારંવાર કરવામાં આવતા ઇ-મેઇલનો જવાબ આપ્યો નથી.
અહેવાલે વધુમાં જણાવ્યું હતું કે તેઓએ અમેરિકામાં ન્યૂયોર્ક ખાતેના ભારતીય કોન્સ્યુલેટનો સંપર્ક સાધ્યો હતો, દેવી પ્રસાદ મિશ્રાને એલર્ટ પણ કર્યા હતા, પણ તેના સપ્તાહ પછી પણ કોઈ પગલાં લેવાયા નથી. અહેવાલમાં સમજાવવામાં આવ્યું હતું કે કંપનીએ ગ્રાહકની સ્થિતિ અને તેની ઓળખની ચકાસણી કરવા માટે જે સિસ્ટમ વિકસાવી છે તેના દ્વારા આધાર કાર્ડનો ડેટાબેઝ મેળવી શકાયો છે.