નેસ વાડિયાના કારણે કિંગ્સ ઇલેવન પર સસ્પેન્ડનું સંકટ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવી દિલ્હી : આઈપીએલ ફ્રેન્ચાઈસીસ કિંગ્સ ઇલેવન પંજાબના સહમાલિક નેસ વાડિયાને જાપાનમાં ડ્રગ્સ રાખવાના મામલામાં બે વર્ષની સજા કરવામાં આવ્યા બાદ શુક્રવારના દિવસે મુંબઈમાં યોજાનાર વહીવટીકારોની આગામી બેઠક દરમિયાન વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. સહમાલિક નેસ વાડિયાના કારણે કિંગ્સ ઇલેવન પંજાબને સસ્પેન્ડ કરવામાં આવી શકે છે. ત્રીજી મેના દિવસે યોજાનારી બેઠકમાં કિંગ્સ ઇલેવન પંજાબના ભાવિનો ફેંસલો કરાશે.

વાડિયાને આ વર્ષે ૨૫ ગ્રામ ડ્રગ્સ રાખવાના મામલામાં જાપાનના શહેર હુકાઈડોમાં વિમાની મથક પર પકડી લેવામાં આવ્યા હતા. તેમની સજા પાંચ વર્ષ માટે સસ્પેન્ડ રાખવામાં આવી છે. આઈપીએલની આચારસંહિતા મુજબ ટીમ સાથે જોડાયેલી કોઇપણ વ્યક્તિ ખેલને બદનામ કરી શકે નહીં. એક કલમ એવી પણ ઉમેરવામાં આવી છે જે હેઠળ ટીમને સસ્પેન્ડ કરવામાં આવી શકે છે. આઈપીએલ સ્પોટ ફિક્સિંગ પ્રકરણમાં ચેન્નાર સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સને વિતેલા વર્ષોમાં સસ્પેન્ડ કરવામાં આવી હતી.

જો કે, હજુ સુધી આ બાબત સ્પષ્ટ થઇ નથી કે, આ મામલે કયા નિર્ણય લેવામાં આવી શકે છે. આઈપીએલની નૈતિક સમિતિ અથવા તો નવી નિમાયેલી લોકપાલની સમિતિ સમક્ષ આ મામલો જશે કે કેમ તેને લઇને હજુ સુધી કોઇ માહિતી મળી શકી નથી. બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું છે કે, આ મામલા પર મુંબઈમાં ત્રીજી મેના દિવસે યોજાનારી સીઓએની બેઠકમાં વિચારણા કરવામાં આવશે. અમારી પાસે નૈતિક અધિકારીઓના રુપમાં સુપ્રીમ કોર્ટમાં સેવા નિવૃત્ત જજ રહેલા છે. કિંગ્સ ઇલેવન પંજાબ ઉપર ખતરો વધી ગયો છે.

Share This Article