અમદાવાદ: દેશભરની યુનિવર્સિટીઓ અને કોલેજોમાં પ્રોફેસર બનવા માટે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી)એ નિયમો બનાવ્યા છે, તેમાં હવે પ્રોફેસરની લાયકાત માટે નવા નિયમ જાહેર કરાયા છે. જે મુજબ, હવે પછી રાજ્યની કોઇ પણ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની સીધી ભરતી માટે નીટ (નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ) અને (સ્ટેટ લેવલ એલિજિબિલિટી ટેસ્ટ) સ્લેટ ફરજિયાત કરવામાં આવી છે.
જો કે, યુજીસી દ્વારા હજુ પણ એક વધુ સુધારો વર્ષ ર૦ર૧માં કરાય તેવી શકયતા સેવાઇ રહી છે. યુજીસીના નવા નિયમને લઇ રાજયભરના આસીસ્ટન્ટ પ્રોફેસરોમાં ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે. નવા સૂચિત સુધારાની વાત કરીએ તો, વર્ષ ર૦ર૧માં જે પણ આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી કરાશે તે ઉમેદવારે ફરજિયાત પીએચડી પાસ કરેલું હોવું જોઇશે. તેમના માટે પીએચડીની ડિગ્રી ફરજિયાત કરાઇ છે. આ નિયમ સીધી ભરતી માટે લાગુ કરાશે.
વર્ષ ર૦૦૯ અથવા રેગ્યુલેશન ર૦૧૬ના ધારાધોરણ હેઠળ જે ઉમેદવારે પીએચડી કર્યું હશે તેમને નેટ અને સ્લેટમાંથી મુકિત અપાશે, તેના માટેની શરત એ હશે કે તેમણે પીએચડી રેગ્યુલર બેચમાં કરેલું હોવું જોઇશે. એસોસિયેટ પ્રોફેસર (સિલેક્શન ગ્રેડ લેવલ-૧ર) બનવા માટે પણ પીએચડીની ડિગ્રી ફરજિયાત કરાઇ છે. નવા ધારાધોરણો મુજબ કુલપતિની નિમણૂક માટે આચાર્ય તરીકેનો અનુભવ ૧૦ વર્ષનો ફરજિયાત કરાયો છે. દરેક કેડરની પોસ્ટની નિમણૂકમાં પોસ્ટ ગ્રેજ્યુએશનમાં પપ ટકા ફરજિયાત કરાયા છે
જ્યારે અનામત કેટેગરીમાં પાંચ ટકાની છૂટ અપાઇ છે. યુજીસીએ નવા એપીઆઇ સ્કોર કઇ રીતે ગણવા તેના પણ નિયમ જાહેર કર્યા છે. આચાર્ય અને પ્રોસેફરની નિમણૂક પાંચ વર્ષ માટે કરાશે અને યુજીસીના રેગ્યુલેશન મુજબ યુનિવર્સિટીએ બનાવેલી કમિટીની ભલામણ પછી ફરીથી પાંચ વર્ષ માટે નિમણૂક લાયક ગણાશે અને ત્યારબાદ તેમણે ફરીથી તેની જે કોલેજ હશે તેમાં જવું પડશે. યુજીસીએ નવા નિયમ ર૦૧૮થી જ લાગુ કરવા માટે સૂચન કર્યાં છે. યુજીસીના આ નવા નિયમો અને જોગવાઇને પગલે રાજયના ઉચ્ચ શિક્ષણજગતમાં ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે.