ગઈકાલે CBSE દ્વારા મેડિકલ-ડેન્ટલમા પ્રવેશ માટેની UG-NEET ૨૦૧૮નું પરિણામ જાહેર કરવામા આવ્યુ છે. જેમાં દેશના ટોપ ૫૦ ઓલ ઈન્ડિયા રેન્કમાં ગુજરાતમાંથી ૭ વિદ્યાર્થીએ બાજી મારી છે. જ્યારે ટોપ ૧૦૦માં ગુજરાતમાંથી ૧૦થી વધુ વિદ્યાર્થીઓ છે. ગત વર્ષ કરતા આ વર્ષે ગુજરાતમાંથી વિદ્યાર્થીઓ વધુ સંખ્યામાં પાસ થયા જો કે દેશનું એકંદર પરિણામ જોઈએ તો ગત વર્ષ કરતા થોડુ નીચુ રહ્યુ છે.
ધોરણ- ૧૨ સાયન્સ પછીના એમબીબીએસ-બીડીએસ એટલે કે મેડિકલ-ડેન્ટલના અભ્યાસક્રમમાં પ્રવેશ માટે સીબીએસઈ દ્વારા ગત મહિને દેશભરમાં નીટ (નેશનલ એન્ટ્રન્સ કમ એલિજિબિલિટી ટેસ્ટ) લેવાઈ હતી. જેમાં ગઈકાલે જાહેર થયેલા પરિણામ મુજબ ૭૧૪૫૬૨ વિદ્યાર્થીઓ ક્વોલિફાઈ થયા છે. આ વિદ્યાર્થીઓમાં ૩૧૨૩૯૯ છોકરાઓ, ૪૦૨૧૬૨ વિદ્યાર્થિનીઓ છે અને એક ટ્રાન્સજેન્ડર વિદ્યાર્થી છે. નીટના પરિણામમા આ વર્ષે ગુજરાતના વિદ્યાર્થીઓનો દેખાવ ગત વર્ષ કરતા ઘણો સારો રહ્યો છે. ગુજરાતમાં આ વર્ષે પરીક્ષા આપનારા ૭૨૩૫૧ વિદ્યાર્થીઓમાંથી ૩૨૬૨૫ વિદ્યાર્થીઓ ક્વોલિફાઈ થયા છે.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે ગુજરાતમાંથી ટોપર્સ વધતા ટોપ ૧૦૦માંથી ૧૦થી વધુ વિદ્યાર્થીઓ હોવાનો અંદાજ છે. સૌથી શ્રેષ્ઠ દેખાવ સુરતનો રહ્યો છે. સુરતનો વિદ્યાર્થી શાહિલ શાહ ઓલ ઈન્ડિયમાં ૧૫ રેન્ક પર અને ગુજરાતમાં પ્રથમ નંબરે આવ્યો છે. સુરતમાંથી ટોપ ૧૦૦માં ૮થી૧૦ અને અમદાવાદના ૫થી વધુ વિદ્યાર્થી હોવાનો અંદાજ છે. જ્યારે સૌરાષ્ટ્રમાં રાજકોટ અને ભાવનગર સહિતના શહેરોમાંથી પણ ૩થી૪ વદ્યાર્થીઓ હોવાનો અંદાજ છે. જો કે મોટા ભાગના વિદ્યાર્થીઓએ અમદાવાદમાંથી પરીક્ષા આપી છે .ટોપ ૫૦માં અમદાવાદના ત્રણ વિદ્યાર્થી છે.