નવી દિલ્હી : પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરના પુત્ર અને સમાજવાદી પાર્ટીમાંથી રાજ્યસભાના સાંસદ નિરજ શેખર મંગળવારના દિવસે ભાજપમાં સામેલ થઇ ગયા હતા. સોમવારના દિવસે રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામુ આપી દીધું હતું. રાજીનામાના આગલા દિવસે નિરજ શેખરે ભાજપના મહાસચિવ ભુપેન્દ્ર યાદવની ઉપસ્થિતિમાં ભાજપમાં જાડાઈ જવાની જાહેરાત કરી હતી. ભાજપના સભ્યતરીકેની જવાબદારી લીધા બાદ તેઓએ ભાજપના કારોબારી અધ્યક્ષ જેપી નડ્ડા સાથે પણ વાતચીત કરી હતી.
૫૦ વર્ષના નિરજ શેખર બે વખત લોકસભાના સભ્ય રહી ચુક્યા છે. ૨૦૦૭માં પોતાના પિતાના અવસાન બાદ બલિયા લોકસભા સીટથી તેઓ પ્રથમ વખત સાંસદ તરીકે ચુંટાઈ આવ્યા હતા. ૨૦૦૯માં તેઓએ આ સીટ ઉપરથી ફરી જીત મેળવી હતી. ૨૦૧૪માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં હારી ગયા બાદ સમાજવાદી પાર્ટીએ તેમને રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય કર્યો હતો.
નિરજ શેખરની અવધિ નવેમ્બર ૨૦૨૦માં પૂર્ણ થનાર હતી. નિરજ શેખરે ભાજપમાં સામલે થતાં પહેલા આજે રાજ્યસભામાં અધ્યક્ષને મળીને તેમનું રાજીનામુ સોંપી દીધું હતું. રાજીનામાનો સ્વીકાર કરાયો હતો.