વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા તમાકુના સતત વધી રહેલા સેવન અને તેની આરોગ્ય પર પડી રહેલી હાનિકારક અસરોને ધ્યાનમાં રાખીને દર વર્ષે 31 મેના દિવસે “વર્લ્ડ નો ટોબેકો ડે” ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ તમાકુનું સેવન ઘટે તેમજ લોકો તમાકુથી થતા ગંભીર રોગોમાં ન સપડાઈ અને પ્રત્યેક વ્યક્તિને તમાકુના સેવનથી થતી ગંભીર બિમારીઓ અટકાવી શકવા માટે તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષની થીમ પ્રોટેક્ટિંગ ચિલ્ડ્રન ફ્રોમ ટોબેકો ઈન્ડસ્ટ્રી ઇન્ટરફિયરન્સ (ટોબેકો ઇન્ડસ્ટ્રીના દખલથી બાળકોને રક્ષણ આપવું) છે. તમાકુના સેવનથી બાળકો અને યુવાનો પર કેવી અસર થાય છે તે અંગેના મહત્વપૂર્ણ મુદ્દા પર વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટના નિષ્ણાંત ડોક્ટર્સ ડૉ. પ્રશાંત વણઝર, ડૉ. હિમાંશુ કોયાણી અને ડૉ. દર્શન પટેલ ની ટીમ એ માહિતી આપી.
સમગ્ર વિશ્વમાં તમાકુ અને તેની બનાવટોના સતત વધી રહેલા ઉપયોગને કારણે માનવજાતના આરોગ્ય પર ખૂબ જ વિપરીત અને નકારાત્મક અસરો પડી રહી છે. જેને ધ્યાને રાખીને લોકોમાં જાગૃતતા આવે અને પ્રત્યેક વ્યક્તિ તમાકુનું સેવન ઘટાડીને સેવન સદંતર બંધ કરે તેવા આશય સાથે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા દર વર્ષની ૩૧ મેના દિવસે “વિશ્વ તમાકુ નિષેધ દિવસ” મનાવવામાં આવતો હોય છે. ત્યારે, વર્તમાન સમયમાં તમાકુનું સેવનના કારણે ગંભીર કહી શકાય તેવા કેન્સરના રોગોમાં પણ હવે યુવાનથી લઈને વયોવૃદ્ધ લોકો પણ સપડાઈ રહ્યા છે.
વર્લ્ડ નો ટોબેકો ડે 2024 ની થીમ “ટોબેકો ઇન્ડસ્ટ્રીના દખલથી બાળકોને રક્ષણ આપવું” છે. આ ટોબેકો ઇન્ડસ્ટ્રીની ચાલાકીપૂર્ણ યુક્તિઓથી યુવાનોને બચાવવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂકે છે, આ ઇન્ડસ્ટ્રીનો હેતુ ધૂમ્રપાન કરનારાઓ અને નિકોટિન વપરાશકર્તાઓની નવી પેઢી બનાવવાનો છે. વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટના નિષ્ણાંતો એ જણાવ્યું હતું કે, “સિગારેટના ધૂમ્રપાનને ઘટાડવામાં પ્રગતિ થઈ હોવા છતાં, ઇ-સિગારેટ અને નિકોટિન પાઉચ જેવા નવા ઉત્પાદનોની ઝપેટમાં બાળકો અને યુવાનો આવી રહ્યાં છે. આ વર્ષની થીમ આ મુદ્દા પર ચર્ચા કરવા અને સરકારોને આ હાનિકારક પ્રભાવોથી બાળકો અને યુવાઓને રક્ષણ આપતી નીતિઓ લાગુ કરવા વિનંતી કરવા માટે એક મંચ પૂરો પાડે છે. તમાકુના સેવનને કારણે કેન્સર, ફેફસાંને લગતાં રોગો, મહિલાઓને પ્રેગ્નન્સી સમયે કોમ્પ્લીકેશન્સ, ડાયાબિટીઝ, દાંતને લગતાં રોગો વગેરે જેવાં રોગો થવાની શક્યતાઓ વધી જાય છે. વૈશ્વિક આંકડાઓ અનુસાર દર 6 સેકન્ડે 1 વ્યક્તિનું તમાકુંના કારણે મૃત્યુ થાય છે. વર્તમાન સમયમાં તમાકુ બનાવતી કંપનીઓ બાળકો અને યુવાઓને ટાર્ગેટ કરે છે.”
તમાકુ એક ધીમું ઝેર છે જે શરીરમાં જઈને તરત ભલે મજા આપતું હોય, પરંતુ લાંબા ગાળે એને કારણે શરીર અંદરી ખવાઈ જાય છે. આ એક એવું ઝેર છે જે શરીરના બધા જ અવયવો પર પોતાની છાપ છોડે છે અને દરેક અંગને નાના-મોટા અંશે નુકસાન પહોંચાડે છે. તમાકુથી તાત્કાલિક મળતા આનંદના મોહને કારણે લાંબા ગાળે થતા હેલ્થના મોટા નુકસાનને અવગણવાની ભૂલ આપણે ન કરીએ એ ધ્યાનમાં રાખવું જરૂરી છે.
તમાકુના ધૂમ્રપાનના ઝેર ગર્ભાશયમાં રહેલા બાળકોના ફેફસાના વિકાસને અસર કરે છે. ઉપરાંત, ધુમાડાના સંપર્કમાં આવતા નાના બાળકોને અસ્થમા, ન્યુમોનિયા અને શ્વસન ચેપનું જોખમ રહેલું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડાઓ મુજબ વિશ્વમાં દર વર્ષે લગભગ 80 લાખ લોકો તમાકુથી થતા રોગોના કારણે મૃત્યુ પામે છે.
વિશ્વ બેંકનો અહેવાલ જણાવે છે કે સમગ્ર વિશ્વમાં દરરોજ 90,000 કિશોરો (10 વર્ષનાં બાળકો પણ) તમાકુનો ઉપયોગ કરવાનું શરૂ કરે છે, જે પૈકી અડધા પુખ્ત વયના લોકો તરીકે પણ તમાકુ છોડતા નથી. અડધાથી વધુ પુખ્ત ધૂમ્રપાન કરનારાઓ ધૂમ્રપાન સંબંધિત રોગોને કારણે પોતાનો જીવ ગુમાવે છે. એક અંદાજ મુજબ, કિશોરોમાં ધૂમ્રપાનના વલણને કારણે 25 કરોડથી વધુ બાળકો તમાકુ ગળી જશે.
વર્લ્ડ નો ટોબેકો ડે 2024 એ તમાકુ ઉદ્યોગની હાનિકારક પ્રથાઓ અને યુવાનો પર તેની અસર પર પ્રકાશ પાડવાની એક નિર્ણાયક તક છે. બાળકોને આ પ્રભાવોથી સુરક્ષિત કરીને, અમે તંદુરસ્ત, તમાકુ-મુક્ત ભવિષ્ય બનાવી શકીએ છીએ.