અમદાવાદ: દેશની ટોચની આઈટી કંપની ઈન્ફોસીસના સહ-સ્થાપક અને વર્તમાન એક્ઝિક્યુટિવ ચેરમેન એન.આર.નારાયણમૂર્તિએ આજે અમદાવાદ ખાતે યુવા સંશોધકો અને તેમના માર્ગદર્શકોને ઈનામ વિતરણના એક કાર્યક્રમમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત દેશને નોલેજ એટલે કે જ્ઞાન જ સમૃદ્ધ બનાવી શકે છે અને માત્ર રિસર્ચ એટલે કે સંશોધન થકી જ નોલેજ આવી શકે છે અને આપણા દેશની શિક્ષણ સંસ્થાઓમાં રિસર્ચ અને નોલેજના પાયગત સિદ્ધાંતોને સિદ્ધહસ્ત કરવા હોય તો આપણા દેશના શિક્ષણ અને શિક્ષણપ્રણાલિમાંથી રાજકીય હસ્તક્ષેપને દૂર કરવો જોઈએ. એટલું જ નહીં, આપણા શિક્ષણમાં કોઈ રાજકીય વિચારધારાને પણ ઘૂસાડવી ન જોઈએ.
શિક્ષણમાં રાજકીય હસ્તક્ષેપને તેમણે ગંભીર ખતરા સમાન ગણાવ્યો હતો. અમદાવાદ ખાતે એક ખાનગી ફાર્મા કંપની, ટ્રોઈકા ફાર્માસ્યુટિકલ્સ દ્વારા અપાતા ફાર્મઈનોવા એવોર્ડના વિતરણ સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે વક્તવ્ય આપતા નારાયણ મૂર્તિએ ભારતીય શિક્ષણની હાલ વિશ્વની તુલનામાં પછાત સ્થિતિ અને અવદશા વિશે જણાવ્યું હતું કે, આજે વિશ્વની ટોચની ૩૦૦ યુનિવર્સિટીઓ કે શિક્ષણ સંસ્થાઓમાં એકેય ભારતીય નથી અને આ બાબત આપણા માટે અત્યંત દુઃખદ છે. શિક્ષણનું મહ¥વ સમજીને તેમાં જ્ઞાન અને સંશોધન એટલે કે નોલેજ અને રિસર્ચને અંગીભૂત કરવાને બદલે આપણે આડા-અવળા વળાંકો પર ફંટાયા કરીએ છીએ.
પોતાની સ્થિતિ સુધારવાને બદલે આપણે ઊલટાનું આ વિશ્વની ટોચની શિક્ષણ સંસ્થાઓની પસંદગી માટેના માપદંડો પર દોષારોપણ કરીએ છીએ અને એવી દલીલ કરીએ છીએ કે આ માપદંડો અમને સ્વીકાર્ય નથી. પરંતુ સત્ય તો એ છે કે આપણે આજે નહીં તો કાલે, તે માપદંડોને સ્વીકારવા જ પડશે. જેની અખંડતા પર આજે આપણે સવાલો કરી રહ્યા છીએ કારણ કે આજે નહીં તો કાલે આપણું આ માપદંડોના આધારે જ મૂલ્યાંકિત થઈશું અને આપણું સ્તર સુધારવા આપણે આ માપદંડો પર જ ખરા ઉતરવું પડશે.
આપણે જ્યારે વસુધૈવ કુટુંબકમ્ એટલે કે વિશ્વ આખું એક પરિવાર છે તેવી વાતો કરતા હોઈએ અને આપણે વિશ્વના સમોવડા બનવું હશે અને અન્ય દેશો જેવા સમૃદ્ધ અને વિકસિત બનવું હશે તો શિક્ષણ વિશે તેમના માપદંડ સ્વીકારીને તે દિશામાં આગળ વધવું પડશે, એમ જણાવી નારાયણમૂર્તિએ ઉમેર્યું હતું કે, આપણા દેશના શિક્ષણના સ્તરને સુધારવા માટે શું ન કરવું જોઈએ તેની યાદી બનાવવા બેસીશું તો તેની ચર્ચામાં જ અઠવાડિયું વીતી જશે અને એટલી બધી બાબતો સામે આવશે કે આપણે મૂંઝાઈ જઈશું. પરંતુ દેશના શિક્ષણને વિશ્વસ્તરનું બનાવવું હોય તો તેના માટે આપણા દેશના શિક્ષણ અને શિક્ષણ પ્રણાલિમાં રાજકીય હસ્તક્ષેપ દૂર કરવી જોઈએ, શિક્ષણમાં કોઈ રાજકીય વિચારધારા ઘૂસાડવી ન જોઈએ, આપણા કરતા જે દેશોની શિક્ષણ પ્રણાલિ સારી છે તેવા દેશો સાથે વાતચીત કરીને પરિવર્તન લાવવા જોઈએ અને વિદેશી શિક્ષણ સંસ્થામાંથી વિદ્વાન શિક્ષણવિદોને બોલાવીને આપણા શિક્ષણ માળખામાં સુધારાના અભિપ્રાય મેળવવા જોઈએ એ ચાર બાબતોને અમલી બનાવવી પડશે એવી સ્પષ્ટ સલાહ પણ તેમણે ભારપૂર્વક આપી હતી.