ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયા સામે કરારી હારને લઈને પણ હવે રાજનીતિ શરૂ થઈ
“મોદી સરકારે ક્રિકેટને રાજકીય ઇવેન્ટ બનાવી દીધી” : વર્લ્ડકપ ફાઈનલ પર શિવસેનાના સાંસદએ કહ્યું
નવીદિલ્હી : ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૨૩ની ફાઈનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયા સામે કરારી હારનો સામનો કરવો પડ્યો છે. હવે આ હારને લઈને પણ રાજનીતિ શરૂ થઈ ગઈ છે. શિવસેના (ઉદ્ધવ જૂથ)ના સાંસદ સંજય રાઉતનું કહેવુ છે કે જાે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બદલે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયો હોત તો ટીમ ઈન્ડિયા એ મેચ જીતી જાત.. સાંસદ સંજય રાઉતે જણાવ્યુ કે આમ તો તેમને ક્રિકેટ અંગે વધુ જાણકારી તો નથી. પરંતુ એટલુ સમજે છે કે ફાઈનલ મેચ જાે દિલ્હી કે મુંબઈમાં રમાઈ હોત તો ભારત જીત્યુ હોત. તેમણે આરોપ લગાવ્યો કે આ વખતે ક્રિકેટમાં એક રાજ્યની રાજકીય લોબીની એન્ટ્રી થઈ ગઈ છે. તેમણે ત્યાં સુધી કહ્યુ કે મેચ ભારત vs ઓસ્ટ્રેલિયા નહીં પરંતુ ભાજપ vs ઓસ્ટ્રેલિયા હતી… મીડિયા સાથેની વાતચીતમાં રાઉતે ફાઈનલ મુકાબલાને ભાજપની રાજકીય ઈવેન્ટ ગણાવી દીધી. તેમણે કહ્યુ કાલ સુધી જે ક્રિકેટ માત્ર એક રમત હતી, જેમા સમગ્ર દેશવાસીઓ સામેલ હતા, આજે તેમા ભાજપની એન્ટ્રી થઈ ગઈ છે. જેના કારણે આ રમત હવે રમત નહીં પરંતુ રાજકીય ઈવેન્ટ બની ગઈ છે. તેમણે કહ્યુ કે જ્યારથી દેશમાં મોદી સરકાર આવી છે દરેક ચીજને રાજકીય ઈવેન્ટ બનાવવામા આવી રહી છે.. આ સાથે જ સાંસદ સંજય રાઉતે વર્લ્ડ કપની મેચ દરમિયાન ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવને ન બોલાવવા અંગે પણ સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યુ મેચ જાેવા માટે નેતાઓ અને અભિનેતાઓને બોલાવવામાં આવ્યા પરંતુ દેશને જેમણે સૌપ્રથમ વિશ્વકપ અપાવ્યો તેમને આમંત્રિત ન કરાયા. તેમણે કહ્યુ કે જાે કપિલ દેવ સ્ટેડિયમમાં હોત તો રાજકીય નેતાઓની પ્રસિદ્ધિ પર ગ્રહણ લાગી જાત. સંજય રાઉત આટલેથી ન અટક્યા. તેમણે કહ્યુ ભાજપ કોર્પોરેટ કંપનીને પણ તેના કબ્જામાં લેવાની યોજના બનાવી રહી છે.