નવી દિલ્હી : લોકસભાની ચૂંટણી માટે કાર્યક્રમની જાહેરાત થયા બાદ સટ્ટાબજારમાં ફરી એકવાર જોરદાર તેજી આવી ગઇ છે. સટ્ટા માર્કેટમાં ભાજપના નેતૃત્વમાં એનડીએની સ્થિતી ફરી એકવાર મજબુત દર્શાવવામાં આવી રહી છે. પુલવામા ખાતે સીઆરપીએફના કાફલા પર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યા બાદ જે રીતે ભારતે પાકિસ્તાનમાં ઘુસીને ત્રાસવાદીઓના તમામ અડ્ડાઓને હવાઇ હુમલા કરીને ફુંકી માર્યા હતા ત્યારબાદથી એનડીએની સ્થિતી મજબુત બની ગઇ છે.
ભારતે જેશના ત્રાસવાદી અડ્ડાઓ પર હવાઇ હુમલા કર્યા બાદ ભાજપના નેતૃત્વમાં એનડીએની સત્તામાં વાપસી દેખાઇ રહી છે. મોટા ભાગના પોલ અને હવે સટ્ટાબજારમાં પણ ભાજપના નેતૃત્વમાં એનડીએની હાલત મજબુત થઇ ગઇ છે. હુમલા પહેલા સટ્ટાબજારમાં બાજપને ૨૦૦-૨૩૦ સીટો મળવાની વાત કરવામાં આવી રહી હતી જો કે હવે પાર્ટીને ૨૪૫-૨૫૧ સીટ મળવાની શક્યતા દેખાઇ રહી છે. જ્યારે એનડીએને ૩૦૦ કરતા વધારે સીટો મળવાની વાત કરવામા આવી છે. આવી જ રીતે પુલવામાં હુમલો અને ત્યારબાદ ભારતના જવાબી હુમલા પહેલા કોંગ્રેસને ૨૦૦ સીટ આપવામાં આવી રહી હતી. જેની સામે હવે તેની સીટો ઘટી રહી છે. રાષ્ટ્રવાદની લહેર ફરી એકવાર દેશમાં જોવા મળી રહી છે. સટ્ટા માર્કેટમાં ચૂંટણી સટ્ટાની સ્થિતી જોરદાર રીતે જોવા મળી રહી છથે. ત્રાસવાદના મુદ્દાને હાથ ધરવામાં એનડીએ સરકારની હિલચાલને તમામ જગ્યાએ સમર્થન મળી રહ્યુ છે.
ચૂંટણી કારોબારમાં હવે રાજસ્થાનમાં ફલોદી મુખ્ય કેન્દ્ર તરીકે છે. મુંબઇ અને દિલ્હી પણ મોટા સટ્ટા બજાર તરીકે છે.લોકસભા ચૂંટણી માટેના કાર્યક્રમની ચૂંટણી પંચે રવિવારે જાહેરાત કરી દીધી હતી. આની સાથે લોકસભા ચૂંટણી માટેનું રણશિંગુ ફુંકાઈ ગયું છે. ચૂંટણી પંચે લોકસભાની કુલ ૫૪૩ સીટો ઉપર સાત તબક્કામાં ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત કરી હતી જે સાત તબક્કામાં મતદાન યોજાનાર છે તે પૈકી પ્રથમ તબક્કામાં ૧૧મી, બીજા તબક્કામાં ૧૮મી, ત્રીજા તબક્કામાં ૨૩મી, ચોથા તબક્કામાં ૨૯મી એપ્રિલના દિવસે મતદાન યોજાશે જ્યારે પાંચમાં તબક્કામાં છઠ્ઠી મે, છઠ્ઠા તબક્કામાં ૧૨મી મે અને ૧૯મી મેના દિવસે સાતમાં તબક્કામાં મતદાન થશે. તમામ તબક્કાની મતગણતરી એક સાથે ૨૩મી મેના દિવસે યોજાશે.
આનો મતલબ એ થયો કે, ૧૭મી લોકસભામાં સત્તાની ચાવી કોની પાસે આવશે તે અંગેનો ફેંસલો ૨૩મી મેના દિવસે થશે. પ્રથમ તબક્કામાં ૨૦ રાજ્યોમાં ૯૧ સીટો ઉપર મતદાન થશે. બીજા તબક્કામાં ૧૩ રાજ્યોની ૯૭ સીટ ઉપર મતદાન થશે. ચોથા તબક્કામાં નવ રાજ્યોમાં સાત સીટો ઉપર મતદાન થશે. પાંચમાં તબક્કામાં સાત રાજ્યોની ૫૧ સીટો ઉપર મતદાન થશે. છઠ્ઠા તબક્કામાં સાત રાજ્યોની ૫૯ સીટો ઉપર મતદાન થશે જ્યારે સાતમા અને અંતિમ તબક્કા માટે આઠ રાજ્યોની ૫૯ સીટ ઉપર મતદાન થશે. દિલ્હીમાં છઠ્ઠા તબક્કામાં ૧૨મી મેના દિવસે મતદાન થશે. સૌથી વધારે ઉત્તરપ્રદેશ, બિહાર અને બંગાળમાં સાતમાં રાઉન્ડમાં મતદાન થશે અને તમામ તબક્કામાં અહીં મતદાન થનાર છે. ૨૨ રાજ્યોમાં એક તબક્કામાં મતદાન થશે.