કોલકત્તા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર અને વિપક્ષ દ્વારા શાસિત રાજ્યો વચ્ચે ખેંચતાણ દિન પ્રતિદિન વધી રહી છે. આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન એન. ચન્દ્રાબાબુ નાયડુ દ્વારા પોતાના રાજ્યમાં સીબીઆઇને પ્રવેશ ન આપવાના કરવામાં આવેલા નિર્ણય બાદ પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ પણ આ નિર્ણય કર્યો હતો. મમતાએ પણ સીબીઆઇના પ્રવેશ પર પ્રતિબંધ મુકતા હવે લડાઇ વધારે તીવ્ર બની શકે છે. નાયડુ અને મમતા બંને ભાજપ વિરોધી મોરચાને પણ આખરી ઓપ આપી દેવામાં હાલમાં વ્યસ્ત છે.
કાયદો અને વ્યવસ્થાની સ્થિતીની જવાબદારી રાજ્યોની છે તેમ કહીને આ નિર્ણય કરવામાં આવ્યો છે. આ વર્ષે ત્રીજી ઓગસ્ટના દિવસે આંધ્રપ્રદેશ સરકારે કેન્દ્ર સરકારના અધિકારીઓ, કેન્દ્ર સરકારની કંપનીઓ, ભ્રષ્ટાચાર અટકાયત ધારા સહિત જુદા જુદા કાયદા હેઠળ તપાસના ગુનાઓને શોધવા માટે આંધ્રપ્રદેશમાં સત્તા અને અધિકાર ક્ષેત્રનો ઉપયોગ કરવા દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિસમેન્ટનો ઉપયોગ કરવા મંજુરી આપવામાં આવી હતી. દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ હેઠળ સીબીઆઇના અધિકારી કામ કરે છે. આઈપીસીની કલમ ૧૮૭ હેઠળ જુદા જુદા ક્ષેત્રોમાં સીબીઆઈ તપાસ હેઠળ આવરી લે છે.
રાજ્ય સરકારે હવે દરોડા અને તપાસ અથવા તો અન્ય પ્રકારની તપાસ કરવા સીબીઆઈની ગેરહાજરીમાં જરૂર પડશે તો એસીબીનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો છે. સરકારે કહ્યું છે કે, સીબીઆઈના દુરુપયોગ અને કેન્દ્ર સરકાર દ્વારા અન્ય કેટલીક કેન્દ્રીય સંસ્થાઓના દુરુપયોગ સામે મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુને ફરિયાદ મળ્યા બાદ કઠોર પગલુ લેવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારના અધિકારીઓ, કેન્દ્રીય કંપનીઓ અને ખાનગી હેતુ સામે તપાસ કરવા માટે તથા દરોડા પાડવાના હેતુસર સીબીઆઈની ટીમ જુદા જુદા રાજ્યોમાં પ્રવેશ કરે છે.દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ ૧૯૪૬ની કલમ ૬ દ્વારા આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને આંધ્ર સરકારે સીબીઆઈ ઉપર પ્રતિબંધ મુકી દીધો હતો. નાયડુએ રાજ્યમા સીબીઆઇનાં પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ મુકાયો છે.