નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ બોલીવુડ સ્ટાર સુશાંત સિંહ રાજપૂતના મોત સાથે જોડાયેલા ડ્રગ્સ કેસના સિલસિલામાં મુંબઈની વિશેષ કોર્ટમાં અભિનેત્રી રિયા ચક્રવર્તી, તેના ભાઈ શોવિક ચક્રવર્તી અને અન્ય વિરુદ્ધ આરોપ દાખલ કરી દીધો છે. કોર્ટે હજુ રિયા પર આરોપ નક્કી કર્યો નથી. આ કેસની આગામી સુનાવણી ૧૨ જુલાઈએ થશે. સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યૂટર અતુલ સરપાંડેએ કહ્યુ કે, તમામ આરોપીઓ પર ચાર્જશીટમાં આરોપ નક્કી કરવામાં આવ્યા છે. આ ડ્રાફ્ટ ચાર્જશીટને ફાઇલ કરતા તેમણે અદાલતને રિયા અને શોવિક પર માદક પદાર્થના સેવન અને મૃતક અભિનેતા સુશાંત સિંહ રાજપૂત માટે આવા પદાર્થોની ખરીદ અને ચુકવણી કરવાના આરોપ નક્કી કરવાનો આગ્રહ કર્યો છે.
સરપાંડેએ કહ્યુ કે, અદાલતના તમામ આરોપીઓ વિરુદ્ધ આરોપ નક્કી કરવાની હતી. પરંતુ આમ કરી શકાયું નહીં કારણ કે કેટલાક આરોપીઓએ ડિસ્ચાર્જ એપ્લિકેશન દાખલ કરી છે. તેમણે જણાવ્યું કે કોર્ટે કહ્યું કે ડિસ્ચાર્જ એપ્લિકેશન પર ર્નિણય થયા બાદ આરોપ નક્કી કરવામાં આવશે. બુધવારે રિયા અને શોવિક સહિત તમામ આરોપીઓ કોર્ટમાં રજૂ થયા. નારકોટિક ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપિક સબ્સટેન્સ (એનડીપીએસ) અધિનિયમથી સંબંધિત મામલાની સુનાવણી કરનાર વિશેષ ન્યાયાધીશ વીજી રઘુવંશીએ મામલાની સુનાવણી માટે ૧૨ જુલાઈની તારીખ નક્કી કરી છે.
ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂત ૧૪ જૂન ૨૦૨૦માં મુંબઈના પોતાના ફ્લેટમાં ફાંસી પર લટકેલો મળ્યો હતો. આ મામલાની તપાસ સુપ્રીમ કોર્ટના આદેશ પર સીબીઆઈ કરી રહી છે. પરંતુ તપાસ એજન્સી હજુ સુધી કોઈ પરિણામ પર પહોંચી નથી. સુશાંત સિંહ રાજપૂતના મોતના મામલામાં ડ્રગ્સનો એંગલ પણ સામે આવ્યો હતો. રિયા ચક્રવર્તીની આ મામલામાં સપ્ટેમ્બર ૨૦૨૦માં ધરપકડ કરવામાં આવી હતી. તેની ધરપકડના એક મહિના બાદ તેને બોમ્બે હાઈકોર્ટે જામીન આપી દીધા હતા.