ઇસ્લામાબાદ : પાકિસ્તાની ભ્રષ્ટાચાર વિરોધી કોર્ટે ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની સામે ચાલી રહેલા ભ્રષ્ટાચારના અન્ય બે મામલામાં દોષિત જાહેર કર્યા હતા અને તેમને કઠોર સજા ફટકારી હતી. ઇસ્લામાબાદની એકાઉન્ટબિલીટી કોર્ટે ૬૮ વર્ષીય નવાઝ શરીફને અલ અઝીઝીયા સ્ટીલ મિલ મામલામાં દોષિત ઠેરવીને સાત વર્ષની સજા ફટકારી હતી. સાથે સાથે ૨.૫ મિલિયન ડોલરનો દંડ પણ ફટકાર્યો હતો. શરીફ હાલમાં ભ્રષ્ટાચારના એક અન્ય મામલામાં પહેલાથી જ જેલમાં છે. ચુકાદો આપવામાં આવ્યો ત્યારે નવાઝ શરીફ કોર્ટમાં ઉપસ્થિત રહ્યા હતા. જજ અરશદ મલિકે નવાઝ શરીફના કોર્ટમાં પહોંચ્યા બાદ મિનિટોના ગાળામાં જ આ ચુકાદો આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, ફ્લેગશીપ ઇન્વેસ્ટમેન્ટ મામલામાં આરોપીની સામે કોઇ કેસ બનતો નથી. અલઅઝીઝીયા સ્ટીલ મિલ કેસમાં ગુનો સાબિત થાય છે.
રાજનીતિક વનવાસનો સામનો કરી રહેલા નવાઝ શરીફના મોટી સંખ્યામાં સમર્થકો કોર્ટની બહાર ઉપસ્થિત રહ્યા હતા. મિડિયા રિપોર્ટ મુજબ નવાઝ શરીફ કોર્ટમાં પહોંચ્યા ત્યારે સમર્થકોમાં ઉત્તેજના હતી. આ બંને મામલાઓમાં ગયા સપ્તાહમાં સુનાવણી પુરી કરી લેવામાં આવી હતી અને ચુકાદો અનામત રખાયો હતો. નવાઝ શરીફ પર આ પહેલા પણ ભ્રષ્ટાચારના અનેક કેસોના આરોપ થઇ ચુક્યા છે. અન્ય ૧૦ વર્ષ સુધી ચૂંટણી નહીં લડવા માટે આદેશ કરાયો છે. પહેલાથી જ ભ્રષ્ટાચારના આરોપનો સામનો કરી રહેલા નવાઝ શરીફના પરિવાર માટે આ મોટો ફટકો છે. પાકિસ્તાનના વર્તમાન વડાપ્રધાન ઇમરાન ખાને ચૂંટણી પ્રચારમાં નવાઝ શરીફના પરિવાર સામે ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં એકાઉન્ટબિલીટી કોર્ટે છઠ્ઠી જુલાઈ ૨૦૧૮ના દિવસે ભ્રષ્ટાચારના એક કેસમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને ૧૦ વર્ષની જેલની સજા ફટકારી હતી. નવાઝ શરીફને કઠોર સજા કરવાનો ચુકાદો આપવામાં આવ્યા બાદ તેમની પાર્ટીમાં ખળભળાટ મચી ગયો હતો. તેમની પુત્રી મરિયમ નવાઝ શરીફને સાત વર્ષની જેલની સજા કરવામાં આવી હતી. કોર્ટે નવાઝ શરીફ અને તેમની પુત્રી ઉપર ક્રમશઃ ૮ મિલિયન પાઉન્ડ અને બે મિલિયન પાઉન્ડનો દંડ લાગૂ કરવામાં આવ્યો હતો. કોર્ટના જજ મોહમ્મદ બાસીરે નવાઝ શરીફના સનઇનલો કેપ્ટન (નિવૃત્ત) શફદરને પણ એક વર્ષની જેલની સજા ફટકારી હતી.
એવેન્ટીફિલ્ડ ભ્રષ્ટાચારના કેસમાં ચાર વખત ચૂકાદો મોકૂફ રાખવામાં આવ્યા બાદ આજે ચુકાદો આપવામાં આવ્યો હતો. લંડનમાં પોશ એવેન્ટફિલ્ડ હાઉસમાં ચાર ફ્લેટની માલિકી સાથે સંબંધિત કેસ રહેલો છે. જે પૈકી નવાઝ શરીફ પરિવાર સામે ચાર કેસ ચાલી રહ્યા છે. તેમની સામે રહેલા ત્રણ કેસ પૈકી એકમાં આ ચુકાદો આપવામાં આવ્યો હતો. નવાઝ શરીફ ઉપર ૧૦ વર્ષની જેલની સજા લાગૂ કરવામાં આવી હતી. આઠ મિલિયન પાઉન્ડનો દંડ કરાયો છે. હાઇએન્ડ પ્રોપર્ટી ખરીદવાના મામલામાં નવાઝ શરીફ ફસાયા હતા. પૂર્વ વડાપ્રધાન અને તેમના બાળકો સામે સુપ્રીમ કોર્ટના આદેશના અનુસંધાનમાં કેસ દાખલ કરવામાં આવ્યા હતા. પનામા પેપર કેસમાં સુપ્રીમ કોર્ટના આદેશના સંદર્ભે નવાઝ શરીફ ફસાયા હતા.