નવસારી : ભારત વર્ષમાં ગણેશમહોત્સવને ખુબ ધુમધામથી મનાવવામાં આવે છે. પરંતું ક્યારેક ભક્તિના અને ઉત્સવોના માહોલમાં આપણાથી જાણ્યે અજાણ્યે પર્યાવરણને નુકશાન થતુ હોય છે. ગણેશ ઉત્સવમાં ગણપતિને સવાર સાંજ દિવા આરતીની સાથે સાથે ફુલહાર દરોઇ ચઢાવવામાં આવતી હોય છે. જે ભગવાન ઉપરથી ઉતારી લીધા બાદ કચરામાં નાખવા અને પાણીમાં વહેવડાવવામાં આવે છે. જે એક રીતે કચરો જ બની જાય છે. પરંતું કચરાનો યોગ્ય નિકાલ કરવાથી આ જ કચરામાંથી સોના રૂપ ખાતર બનાવી શકાય છે.
આજ બાબતને નવસારી જિલ્લા તંત્રએ બખુબી ઓળખી લઇ આ સમસ્યાનું નિવારણ શોધી કાઢ્યું છે. નવસારી જલાલપોર નગરપાલિકા દ્વારા ગણેશ ઉત્સવ દરમિયાન સવાર સાંજ નિકળતા પુજાપાના કચરાના યોગ્ય નિકાલની સુદ્રઢ વ્યવસ્થા છેલ્લા ત્રણ વર્ષથી કરવામાં આવી રહી છે. જેના થકી શહેરને કચરાથી મુક્ત કરવાની સાથે સાથે ભક્તોની લાગણીઓને પણ ઠેસ નથી પહોચતી. અને કચરાનો ઉપયોગ ખાતર બનાવવા થવાથી એ ખાતર નગરપાલીકાના બાગબગીચામાં નાખવાથી ફુલ છોડને પણ ફાયદો પહોચે છે.
સમગ્ર નવસારી નગરપાલિકામાં અંદાજીત 900 ગણેશમંડળો છે. જ્યા નાની મોટી ગણેશમુર્તીની સ્થાપના કરવામાં આવી હતી. એક દિવસમાં અંદાજીત 01 ટન ફુલહાર અને અન્ય સજાવટનો કચરો સ્વચ્છતા વાન દ્વારા એકઠ્ઠો કરવામાં આવતો હતો. આ કામગીરી માટે કુલ-03 સ્વચ્છતા વાન અને અંદાજિત 46 સફાઇ કર્મચારીઓ નિમવામાં આવ્યા હતા. આ ઉપરાંત નગરપાલિકા દ્વારા હેલ્પલાઇન નંબરની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી જેના ઉપર કોલ કરવાથી સ્વચ્છતા વાન જે-તે સ્થળે કચરો એકઠ્ઠો કરવા પહોચતા હતા.
હેલ્પ લાઇન નંબરના કારણે તથા રોટરી ક્લબ, રોબીન હુડ આર્મી તથા જાગૃત ગણેશભક્તોના કારણે આસપાસના ગામના લોકોને આ કામગીરી અંગે જાણકારી મળતા ગામના નાગરિકો પણ પુજાપો આપી જતા હતા. સવાર સાંજ નિયમિત રીતે એકઠ્ઠા થતા આ કચરાને નગરપાલિકાના શાકભાજી માર્કેટ સેન્ટર ખાતે લાવવામાં આવતો હતો. સ્વચ્છતા કર્મચારીઓ દ્વારા ફુલહારના કચરામાંથી પ્લાસ્ટીક સહિત અન્ય અનઓર્ગેનિક કચરાને અલગ કરવામાં આવતો. આ સેન્ટર ખાતે ઉપલબ્ધ મશીન એટલે કે ઓર્ગાનિક વેસ્ટ કન્વર્ટર મશીનમાં કચરાને નાખી અન્ય પ્રોસેસીંગ લીક્વીડ જેવા પદાર્થોને મિક્ષ કરી ઓર્ગેનિક ખાતર બનાવવામાં આવે છે. દરેક ખેડૂત જાણે છે કે, ખાતર એટલે ખરું સોનું. આ સોના રૂપી ખાતરને જરૂરિયાતમંદ ખેડૂતોને વિના મુલ્યે વિતરણ અથવા નગરપાલિકાના બાગ બગીચામાં ઉપયોગ કરવામાં આવે છે. જેના થકી ફુલ છોડને પણ અનેક ફાયદો થાય છે.
અત્રે નોંધનિય છે કે, નવસારી નગરપાલિકા દ્વારા છેલ્લા 3 વર્ષથી મશીન ઉપલબ્ધ છે. જેના થકી કચરાને ખાતર બનાવવાનું કામ દૈનિક ધોરણે કરવામાં આવે છે. આ મશીનો દ્વારા લીલા અને સુકા કચરાને અલગ અલગ પ્રોસેસ કરવામાં આવે છે. મશીનમાંથી નિકળતા ખાતરને એક-બે કિલોના પેકેટ બનાવી વિનામુલ્યે વિતરણ કરવામાં આવે છે. મશીનમાં 24 કલાકમાં ખાતર બનીને તૈયાર થઇ જાય છે. મશીનમાં એક સાથે અંદાજીત દોઢ ટન કચરો એક સાથે નાખી શકાય છે.
આ અંગે વિગતવાર જાણકારી આપતા નવસારી નગરપાલિકાના ચિફ ઓફિસર જે.યુ.વસાવા એ જણાવ્યું હતું કે, નાગરિકોમાં કચરાના સાઇન્ટીફિક નિકાલ અંગે જાગૃતતા વધે તે માટે ગણેશ ઉત્સવપુર્વે જ ભક્તો સાથે બેઠક કરી આ અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા દૈનિક રીતે એકઠ્ઠા કરવામાં આવતા કચરામાં 09 દિવસમાં અંદાજિત 07 ટન પુજાપો એકત્રીત કરવામાં આવ્યો હતો. તથા આનંદ ચૌદસના દિને વિરાવલ, પુર્ણા નદિ કિનારે, દાંડી ખાતેથી પણ અલગથી પુજાપાના કલેક્શનની વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં આનંદ ચૌદસના દિને લગભગ 08 ટન કચરો એકત્રીત કરવામાં આવ્યો છે. આમ અત્યાર સુધી આ ઝુંબેશ હેઠળ કુલ-16 ટન જેટલા પુજાપો એકત્રીત કરી ખાતર બનાવવાની પ્રોસેસમા મુકવામાં આવ્યો છે. નાગરિકોને હોમકોમ્પોસ્ટીંગ અંગે જાણકારી મળે તથા સ્વચ્છતા પ્રત્યે જાગૃત થાય તે બાબત ધ્યાને લઇ આ પહેલ હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત નગરપાલિકાના વાઇપેય ગાર્ડન ખાતે કોમ્પોસ્ટ પીટની સુવિધા ઉપલબ્ધ છે જ્યા પરંપરાગર રીતે ઓર્ગેનિક કચરામાંથી ખાતર બનાવવામાં આવે છે.
ગણેશઉત્સવના 10 દિવસ દરમિયાન નગરપાલિકાની આ સુવિધાનો લાભ લેનાર નવસારી નગરપાલિકાના દુધિયા તળાવ વિસ્તારના શ્રી મહાલક્ષ્મી ગણેશ મંડળના એક જાગૃત નાગરિક વિક્રમસિંહ પટેલ આ કામગીરીની સરાહના કરતા જણાવ્યું હતું કે, નગરપાલિકા દ્વારા ગણેશ ઉત્સવ દરમિયાન પુજાપાને ભેગા કરી ખાતર બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે પુજાપો કોઇના પગ નીચે ના આવે અને ખાતર બનાવવામાં ઉપયોગમાં આવે જે ખુબ સારી બાબત છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, વારે તહેવારે તમામના ઘરે ફુલહારનો ઉપયોગ થાય જ છે આ ફુલહારનો ઉપયોગ ખાતર બનાવવામાં થાય તો આપણા શહેરને સ્વચ્છ રાખી શકીએ છે. નવસારી પ્રસાશન દ્વારા આ સારી પહેલ કરવામાં આવી છે જેને તમામ નગરપાલિકાઓએ અપનાવવી જોઇએ.