ઈસ્લામાબાદઃ પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર ઇમરાન ખાનની પાકિસ્તાની વડાપ્રધાન તરીકેની તાજપોશી કાર્યક્રમમાં પૂર્વ ભારતીય ખેલાડી નવજોત સિદ્ધુએ હાજરી આપી હતી. સિદ્ધ પાકિસ્તાની આર્મી ચીફને ગળે મળતા નજરે પડ્યા હતા. કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચેલા નવજોત સિદ્ધુએ કોંગ્રેસની તકલીફ વધારી દીધી છે. સિદ્ધુની સાથે પાકિસ્તાની સેનાના વડા જનરલ કમર બાજવાનો ફોટો વાઈરલ થયા બાદ કોંગ્રેસની તકલીફમાં વધારો થઈ ગયો છે. એટલું જ નહીં કાર્યક્રમ દરમિયાન સિદ્ધુને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરના પ્રમુખ મસુદખાનની પાસે બેસાડવામાં આવ્યા હતા.
સિદ્ધુના પાકિસ્તાન જવાને લઈને ભાજપે પહેલાથી જ આકરા પ્રહારો કર્યા છે. બીજી બાજુ કોંગ્રેસના નેતાઓ આના કારણે પરેશાન દેખાઇ રહ્યા છે. કોંગ્રેસના પ્રવકતા રશિદ આલ્વીએ કહ્યુ છે કે તેમની સલાહ લેવામાં આવી હોત તો તેઓએ આનો ઇન્કાર કર્યો હતો. મિત્રતા દેશથી મોટી નથી. પાકના પ્રમુખની સાથે સિદ્ધુની ઉપસ્થિતિ અંગે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ગુલામ અહેમદ મીરે કહ્યું હતું કે તેઓ જવાબદાર વ્યક્તિ છે અને મંત્રી છે. નવજોત સિદ્ધુ જ આનો જવાબ આપી શકે છે, પરંતુ તેમને બચવાની જરૂર હતી. સરહદ પર અમારા જવાન શહીદ થઇ રહ્યા છે. આવી સ્થિતિમાં સિદ્ધુને પાકિસ્તાની સેનાના વડા દ્વારા ગલે લગાવવાની બાબતથી ખોટા સંદેશ જશે. ભારત સરકારને મંજુરી આપવાની જરૂર ન હતી. આના કારણે વિવાદ થશે.
ઇમરાન ખાને સત્તાવારરીતે આમંત્રણ આપ્યા બાદ શપથગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે પૂર્વ ભારતીય ક્રિકેટર અને કોંગ્રેસના નેતા નવજોત સિદ્ધૂ પાકિસ્તાન પહોંચ્યા હતા. પાકિસ્તાન રવાના થતાં પહેલા સિદ્ધૂએ ગઇકાલે અટારી-વાઘા સરહદ ઉપર મિડિયા સાથે વાત કરી હતી.
સિદ્ધૂએ કહ્યું હતું કે, તેઓ એક સદ્ભાવના દૂત તરીકે પાકિસ્તાન જઈ રહ્યા છે. આના કારણે બંને દેશો વચ્ચે સંબંધોમાં સુધારો થશે. પંજાબ સરકારના કેબિનેટ મંત્રી સિદ્ધૂએ કહ્યું હતું કે, તેઓ એક સદ્ભાવના દૂત તરીકે પાકિસ્તાન જઇ રહ્યા છે. સિદ્ધૂ પંજાબના મિનિસ્ટર તરીકે છે. સિદ્ધૂની સાથે પૂર્વ ક્રિકેટર સુનિલ ગાવસ્કર અને કપિલ દેવને પણ ઇમરાન તરફથી શપથગ્રહણમાં હાજરી આપવા માટે કહેવામાં આવ્યું હતું. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આક્ષેપબાજી શરૂ થઇ છે.
બીજી બાજુ સિદ્ધુએ કહ્યું હતું કે તેઓ બંને દેશો વચ્ચેના અંતરને દુર કરવા માટે આવ્યા છે. સિદ્ધુએ હિન્દુસ્તાન અને પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા હતા. કપિલ અને સુનિલ ગવાસ્કરે અંગતો કારણો આપીને શપથ ગ્રહણમાં સામેલ થવાનો ઈનકાર કરી દીધો હતો. બંને વિવાદથી બચી ગયા છે.