અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.૩૧ ઓક્ટોબરે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ માટે કેવડિયા આવી રહ્યા છે. ત્યારે આદિવાસીઓના હક્કોને લઇને સમગ્ર આદિવાસી પંથકમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે. બંધને સફળ બનાવવા માટે ડેડિયાપાડામાં પ્રચાર રહી રહેલા ભીલીસ્તાન ટાઇગર સેના(બીટીએસ)ના ૧૬ જેટલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. આ સમયે બીટીએસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. બીજીબાજુ, આદિવાસી નેતા પ્રફુલ વસાવાએ પોતાના લોહીથી નરેન્દ્ર મોદી અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઓઠા હેઠળ આદિવાસીઓના વિનાશ મુદ્દે સૂત્રો લખતાં રાજય સહિત દેશભરમાં ખળભળાટ મચી ગયો છે.
આદિવાસીઓ દ્વારા આવતીકાલે પીએમના કાર્યક્રમ દરમ્યાન કોઇ આશ્ચર્યકારક કાર્યક્રમ ના અપાય તે માટે તંત્ર, પોલીસ અને સુરક્ષા એજન્સીઓને હાઇએલર્ટ પર રખાઇ છે. આદિવાસી નેતા પ્રફૂલ વસાવાએ પોતાના લોહીથી લખેલા નરેન્દ્ર મોદી આદિવાસીઓના દુશ્મન છે, નરેન્દ્ર મોદી મુર્દાબાદ, સ્ટેચ્યૂ ઓફ યુનિટી એકતા માટે નહીં આદિવાસી ઓ ના વિનાશ માટે બન્યું છે. આદિવાસી એકતા જિંદાબાદ, અખંડ ભારત ને ખંડિત કોણે કર્યું? નરેન્દ્ર મોદી, જાન દેંગે, જમીન નહીં, જલ, જમીન, જંગલ હમારા હૈ, અનુસુચિ-૫ લાગુ કરો સહિતના વિવાદીત સૂત્રો લખી જાહેર કરતાં જારદાર ખળભળાટ મચી ગયો છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણને પગલે આદિવાસી સંગઠનોએ અંબાજીથી લઇને ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારમાં તા.૩૧ ઓક્ટોબરે બંધનું એલાન આપ્યું છે. જેથી નર્મદા જિલ્લામાં હાલ લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, ત્યારે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે બંધને સફળ બનાવવા માટે પ્રચાર કરી રહેલા બીટીએસના ૧૬ કાર્યકરોની પોલીસે આજે અટકાયત કરી હતી.
જેને લઇ બીટીએસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. અટકાયત કરેલા કાર્યકરોને આવતીકાલે વડાપ્રધાનનો કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી તેમને અજ્ઞાત સ્થળે રાખવામાં આવે તેવી શક્યતા છે. બીજીબાજુ, સ્ટેચ્યૂ ઓફ યુનિટીને લઇને આદિવાસી લોકોને થયેલા અન્યાયના વિરોધમાં આદિવાસી નેતા ડો. પ્રફૂલ વસાવાએ પોતાના લોહીથી પીએમ મોદીના વિરોધમાં સૂત્રો લખ્યા હતા. જેમાં નરેન્દ્ર મોદી આદિવાસીઓના દુશ્મન છે, નરેન્દ્ર મોદી મુર્દાબાદ અને જાન દેંગે, જમીન નહીં. સહિતના સૂત્રો લખ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૩૧ ઓક્ટોબરે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ માટે કેવડિયા આવી રહ્યા છે, ત્યારે આદિવાસી નેતા પ્રફૂલ વસાવાએ આજે રાજપીપળા ખાતે પોતાના લોહીથી મોદી વિરોધી સૂત્રો લખ્યા હતા. જેમાં તેઓએ મોદીને આદિવાસીઓના દુશ્મન ગણાવ્યા હતા.
આ અંગે આદિવાસી નેતા પ્રફૂલ વસાવાએ જણાવ્યું હતું કે, સરકાર આદિવાસીઓ સાથે સતત અન્યાય કરતી આવી છે. જેથી મે મારા લોહીથી આજે સૂત્રો લખ્યા છે. આદિવાસી લોકો સ્વંયભૂ બંધ પાળશે અને વડાપ્રધાન મોદીના કાર્યક્રમનો વિરોધ કરશે.