હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પહાડોમાં તબાહી સર્જાઈ છે. અહીં સદીઓથી બનેલા ભગવાનના મંદિરો ધરાશાયી થઈ રહ્યા છે. દાયકાઓથી માણસોએ બનાવેલા મકાનો નષ્ટ થઈ રહ્યા છે અને ઐતિહાસિક શહેરોનું અસ્તિત્વ જોખમાઈ રહ્યાં છે. શિમલા જેવું જૂનું શહેર પણ પત્તાના મહેલની માફક તૂટી રહ્યાં છે. નદીઓનું પાણી જ્યાં જાય છે ત્યાં વસાહતોને બરબાદ કરે છે. દરેકના મનમાં એક પ્રશ્ન છે કે અચાનક એવું શું થઈ ગયું કે પર્વતો અને નદીઓ, મનુષ્યના દુશ્મન બની ગયા.
ઘણીવાર તમે જોયું હશે કે પહાડોમાં તિરાડ પડવાના અહેવાલો આવ્યા છે. ડુંગરાળ વિસ્તારોમાં ભૂસ્ખલન, ભારે વરસાદ અને અચાનક પૂરથી પાયમાલી સર્જાય છે. પરંતુ તેનું સાચું કારણ શું હોઈ શકે તે જાણવું ખૂબ જ જરૂરી છે. પ્રથમ અને મુખ્ય કારણ પર્યાવરણીય સમસ્યા છે. આ બધા માટે ગ્લોબલ વોર્મિંગ પણ જવાબદાર છે. આ બધા પર આબોહવા પરિવર્તનની પણ અસર પડે છે, જેનું સૌથી મહત્ત્વનું કારણ એ છે કે શું વધતી વસ્તી અને વધતા પ્રવાસીઓ પણ પર્વતોના વિનાશનું મુખ્ય કારણ છે. શું નબળી વ્યવસ્થાપન અને દ્રષ્ટિનો અભાવ પણ આ આફતો માટે જવાબદાર છે?
હિમાલયના પર્વતો ત્રણ શ્રેણીઓમાં વહેંચાયેલા છે જે જણાવીએ તો, હિમાલય પર્વત જે દેશના દુશ્મનોને રોકે છે તે ત્રણ શ્રેણીઓમાં વહેંચાયેલો છે. ગ્રેટ હિમાલયન રેન્જ, લેસર હિમાલયન રેન્જ અને શિવાલિક રેન્જ, જે પશ્ચિમથી પૂર્વ તરફ લગભગ ૨૪૦૦ કિમીની લંબાઇમાં ફેલાયેલી છે. હિમાલય પર્વત સમગ્ર વિશ્વના એવા પર્વતોમાંનો એક માનવામાં આવે છે, કે, જે કાચો પર્વત છે. તેની માટી હજુ સુધી પથ્થરો પર મજબૂત થઈ નથી. આવી સ્થિતિમાં ઝડપી વિકાસ હિમાલય માટે દુશ્મનથી ઓછો નથી.
આ પ્રશ્ન વારંવાર ઉઠે છે કે શું પર્વતો પર ઝડપી અવૈજ્ઞાનિક બાંધકામ તેના વિનાશ માટે જવાબદાર છે ? ૨૭ જુલાઈના રોજ, હિમાચલના સોલનમાં એક એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી, જેમાં NHAI અને તેના સહયોગીઓ પર ગંભીર આરોપો મૂકવામાં આવ્યા હતા. શિમલાના પૂર્વ ડેપ્યુટી મેયરનો આરોપ છે કે પહાડોને ખોટી રીતે કાપવામાં આવી રહ્યા છે. બાંધકામમાં વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવતો નથી, આમાં ભૂસ્તર વિભાગની સલાહ લેવામાં આવી ન હતી અને તેના કારણે જાનમાલનું નુકસાન થાય છે. મનાલીમાં વધતા હોટેલ-ગેસ્ટ હાઉસનો ગ્રાફ પર જો એક નજર કરીએ તો, ૧૯૮૦- ૧૦, ૧૯૯૪- ૩૦૦, ૨૦૦૯- ૮૦૦, ૨૦૨૨- ૨૫૦૦ જેટલો તફાવત જણવા આવ્યો. આ બાજુ અખા હિમાચલ પ્રદેશ માટે એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું. ઈસરોએ ગ્લેશિયર્સ અને સરોવરોનો અભ્યાસ કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ૯૩૫ ગ્લેશિયર્સ અને સરોવરો તૂટવાનો ભય છે, જેના કારણે ઉત્તરાખંડમાં થયેલ ૨૦૧૩ જેવી દુર્ઘટના થવાની સંભાવના છે.
બીજી તરફ જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાના સર્વેમાં ૧૭,૧૨૦ સ્થળોએ ભૂસ્ખલનની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં સિરમૌર ૨૫૫૯, ચંબા ૨૩૮૯, લાહૌલ સ્પીતિ ૨૨૯૫, કાંગડા ૧૭૭૯, શિમલા ૧૩૫૭, બિલાસપુર ૪૪૬, ઉના ૩૯૧, મંડી ૧૭૯૯ અને કિન્નોરમાં ૧૭૯૯ આવા સ્થળો છે. હિમાચલમાં ખડક તુટી પડવાની ઘટનાઓ પણ વર્ષે-દર વર્ષે વધી રહી છે, ૨૦૨૦માં ૧૬, ૨૦૨૧માં ૧૦૦ અને ૨૦૨૨માં ૧૧૭ ઘટનાઓ જોવા મળી છે. પર્યાવરણવિદો શું કહે છે?.. માર્ગ વિસ્તરણ, પર્વતો તોડી નાખવા, વૃક્ષો કાપવા, વરસાદથી પર્વત નબળો પડી રહ્યો છે, હાઇડ્રો પાવર પ્રોજેક્ટ, ટનલ બનાવવા માટે બ્લાસ્ટિંગ અને ભારે મશીનરીનો ઉપયોગ વગેરે જેવી સ્થિતિઓની અસર પડી. હિમાચલમાં આવો વિનાશ આ પહેલા જોવા મળ્યો ન હતો. આ વખતે કુદરતે એવો પાયમાલ સર્જ્યો છે કે ૧૨માંથી ૧૧ જિલ્લા ભૂસ્ખલન, પૂર અને વરસાદના કારણે ત્રસ્ત છે. ઘણી જગ્યાએ પર્વતો તૂટી પડ્યા છે, ભૂસ્ખલનનો તમામ કાટમાળ મુખ્ય રસ્તાઓ પર પડ્યો છે, ઘણી જગ્યાએ રસ્તાઓ તૂટી ગયા છે અને લોકો ફસાઈ ગયા છે. પ્રશાસન, NDRF રાહત અને બચાવ કામગીરીમાં લાગેલા છે. પરંતુ વિનાશ એટલો મોટો છે કે રાહત કાર્ય પૂર્ણ કરવામાં લાંબો સમય લાગી શકે છે.