યુનો દ્વારા પ જુન, ર૦૧૮ના રોજ વિશ્વપર્યાવરણ દિનની ઉજવણી ભારતમાં કરાશે
એશિયન સિંહોનું એક માત્ર વતન એવા સાસણ ગીર ખાતે આજરોજ રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય કક્ષાના વિશ્વ વન્ય જીવન ઉજવણીનું આયોજન કેન્દ્રીય વન અને પર્યાવરણ વિભાગ અને રાજય સરકારના સંયુકત ઉપક્રમે “Big Cats: Predators Under Threat” વિષયક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કેન્દ્રના વન અને પર્યાવરણ મંત્રી ડૉ. હર્ષવર્ધનની ઉપસ્થિતિમાં મંગલ દિપ પ્રગટાવીને સેમીનારને ખુલ્લો મુકયો હતો.
કેન્દ્ર સરકાર દ્વારા સાસણ ખાતે વિશ્વ વાઇલ્ડ લાઇફ ડેની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી પ્રસંગે મુખ્યમંત્રી
વિજયભાઇ રૂપાણીએ કહયું કે, ગુજરાત વન્યપ્રાણીઓને અભયતાબક્ષી પર્યાવરણ અને વન-પ્રકૃતિની જાળવણીમાં આગેવાની લેવા પ્રતિબદ્ધ છે.
રાજય સરકારની સિંહ સંવર્ધન, જતન અને સંરક્ષણની નીતિ અને લોક સહયોગને લીધે આજે સિંહોની વસ્તી ૬૦૦ આસપાસ પહોંચી છે તેમ જણાવી સિંહ રેસ્કયુ ઓપરેશનમાં મહિલા વન કર્મચારીઓના ફાળાને બિરદાવ્યો હતો. સાસણ આજે વિશ્વના પ્રવાસન નકશામાં સ્થાન પામ્યું છે તેમ જણાવી ઇકો ટુરિઝમ પેાલીસીની માહિતી આપી હતી.
મુખ્યમંત્રીએ ‘જીઓ ઓર જીને દો’ ના ભારતીય સંસ્કૃતિના સનાતન સુત્રને સાર્થક કરવા રાજયમાં ચાલતા કરૂણા અભિયાનની ફલશ્રુતીની માહિતી આપી હતી. ગીરમાં સિંહોના સંવર્ધન માટે નરેન્દ્રભાઇ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે વર્ષ ર૦૦૭માં રૂા. ૪૦ કરોડના પેકેજથી શરૂઆત કરી હતી. રાજય સરકારે એજ દિશામાં આગળ વધી પ્રોજેકટ લાયન માટે પુરતા ફંડની ફાળવણી કરી છે. મુખ્યમંત્રીશ્રીએ પર્યાવરણ અને પ્રવાસનનો સંતુલીત વિકાસ કરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું.
કેન્દ્રના વન અને પર્યાવરણ મંત્રી ડૉ. હર્ષવર્ધને સેમીનારના અધ્યક્ષસ્થાનેથી વિશ્વ વાઇલ્ડ લાઇફ ડેની ઉજવણી નિમિત્તે સિંહપ્રેમી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વર્ષ ૨૦૨૨ માં ‘નયા ભારત’ના સ્વપ્નને સાકાર કરવા દેશના નાગરિકો ગ્રીન સૈનિકો બનવા આહવાન કર્યું હતું.
ડૉ. હર્ષવર્ધને ગીરમાં સિંહ અને લોકોના તાદાત્મ્યની અસાધારણ અનુકળતાને બીરદાવી હતી. ગ્રીન સ્કીલ મિશનમાં ગુજરાત સરકારના ફાળાને વધારતાં કેન્દ્રીય મંત્રીએ ગીરમાં સિંહનો વધતો જતો વિસ્તાર, સિંહ સંવર્ધનમાં સ્થાનિક માલધારીઓનો સહયોગ, રાજય સરકારના પ્રોજેકટ લાયનને આવકાર્યો હતો.
મંત્રીએ પર્યાવરણ અને પ્રકૃતિની જાળવણીમાં ભારત વિશ્વગુરૂ બનવા જઇ રહયું છે, તેમ જણાવી કહ્યું હતું કે, આગામી તા.પ મી જુન ર૦૧૮ના રોજ યુનાઇટેડ નેશન્શ દ્વારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતમાં ભારતમાં કરાશે. મંત્રીશ્રીએ પ્લાસ્ટીકનો વપરાશ ઘટાડવા પણ અનુરોધ કર્યો હતો.
સેમિનારમાં વનવિભાગ મંત્રી ગણપતસિંહ વસાવાએ પ્રાસંગિક ઉદબોધનમાં ગીર અભ્યારણ્યના વિકાસમાં રૂા.૧૫ કરોડના નવા પ્રકલ્પોની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, ગીરમાં છેલ્લા દસ વર્ષમાં સિંહની વસ્તીમાં ૪૬ ટકાનો વધારો થયો છે. ગીર અને સૌરાષ્ટ્રના વધેલા વન વિસ્તારમાં આજે પ૨૩ થી વધુ સિંહની ગર્જના સંભળાય છે. તે અંગે ગૌરવની લાગણી વ્યકત કરી હતી.
આ સેમીનારમાં રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને સમારોહના અધ્યક્ષ ડૉ. હર્ષવર્ધન તેમજ મહાનુભાવો એ સિંહ સદન, સાસણ ખાતે વન વિભાગ દ્વારા આયોજિત પ્રદર્શનની મુલાકાત લઇ વિસ્તૃત જાણકારી મેળવી હતી. સેમીનારમાં ગીર લાયન કોફી ટેબલ બુકનું અને સી.ડી.નું વિમોચન કર્યું હતું. આ તકે વન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ ‘લાયન્સ ઓફ ગીર’ વિષયક ડોકયુમેન્ટરી પ્રદર્શિત કરવામાં આવેલ હતી તેમજ ગીર લાયન સંવર્ધનને લગતી સકસેસ સ્ટોરીઓનું તથા નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરીટી દ્વારા તૈયાર કરાયેલ ‘ફોરેસ્ટ એન્ડ કલાઇમેટ ચેન્જ’ વિષયક પ્રેઝન્ટેશનો પણ રજૂ કરવામાં આવ્યા હતા.