નવીદિલ્હીઃ નેશનલ વોર મેમોરિયલની લોકો રાહ જોઈ રહ્યા છે. યુદ્ધ અને સ્વતંત્રતા બાદના ઓપરેશનમાં શહીદ થયેલા ૨૨,૬૦૦ જવાનોના સન્માનમાં નેશનલ વોર મેમોરિયલની રચના કરવામાં આવી રહી છે, પરંતુ ૧૫મી ઓગસ્ટના દિવસે નેશનલ વોર મેમોરિયલ શરૂ થઇ જાય તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે.
નિર્ધારિત કાર્યક્રમ મુજબ ૧૫મી ઓગસ્ટના દિવસે મોદી દ્વારા આનુ ઉદ્ઘાટન કરવામાં આવનાર હતું, પરંતુ હવે ઓક્ટોબર સુધી નેશનલ વોર મેમોરિયલને પૂર્ણ કરી શકાશે. અલબત્ત મોટાભાગનું સિવિલ કામ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે, પરંતુ હવે ફિનિશિંગ ટચ આપવાનું બાકી રહ્યું છે. સંરક્ષણ મંત્રાલયના એક અધિકારીએ આ અંગેની માહિતી આપી છે.
પ્રિન્સેસ પાર્ક ખાતે વોર મ્યુઝિયમની નજીક આનુ નિર્માણ કરવામાં આવી રહ્યું છે. દિલ્હીમાં ઐતિહાસિક રાજપથ ઉપર ઈન્ડિયા ગેટ કોમ્પ્લેક્ષના સી હેક્સાગોન ખાતે આનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ૪૦ એકર વિસ્તારમાં આનુ નિર્માણ કરવામાં આવી રહ્યું છે જેમાં અમરચક્ર, વીરચક્ર, ત્યાગચક્ર, રક્ષાચક્ર જેવા જુદા જુદા વિસ્તારો ઉભા કરવામાં આવનાર છે.
આ ઉપરાંત શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. વોર મ્યુઝિમમાં મોટી સંખ્યામાં લોકો ભારતની સેનાના ઇતિહાસને જાઈ શકે તેવી વ્યવસ્થા રાખવામાં આવશે. ૧૯૬૫ના યુદ્ધમાં અસલ ઉત્તરના સાહસને પણ દર્શાવવામાં આવશે. હવાલદાર અબ્દુલ હમીદ દ્વારા ત્રણ પાકિસ્તાની ટેન્કોને નષ્ટ કરવાના સાહસને પણ દર્શાવવામાં આવશે. આ ઉપરાંત અન્ય ૨૦ જવાનોના સાહસને પણ રજૂ કરવામાં આવશે. એનડીએ સરકારે વર્ષ ૨૦૧૫માં ૫૦૦ કરોડ રૂપિયાના ખર્ચ સાથે નેશનલ વોર મેમોરિયલ અને મ્યુઝિયમના નિર્માણને મંજુરી આપી હતી.