અમદાવાદ: આગામી ગુજરાત લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસની પ્રજાવિરોધી નીતિ સામે ત્રીજા વિકલ્પ તરીકે ઉભરવાની આશા સાથે આજે રાષ્ટ્રીય સમાજવાદી પાર્ટીએ પણ તેના ઉમેદવારો ઉભા રાખવાની જાહેરાત કરી હતી. તો ગુજરાત બહાર હરિયાણા, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ અને દિલ્હી સહિતના રાજયોમાં પણ પાર્ટી તેના ઉમેદવારો ઉભા રાખશે અને લોકસભા ચૂંટણીમાં પ્રજાને એક નવો વિકલ્પ આપશે. રાષ્ટ્રીય સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ એસ.યુ.ચતુર્વેદીએ અમદાવાદની મુલાકાત દરમ્યાન ભાજપ-કોંગ્રેસ પર વિવિધ મુદ્દે પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે, ભાજપ અને કોંગ્રેસે પ્રજાને ઠાલા વચનો આપ્યા સિવાય કશું કર્યું નથી અને પ્રજા સાથે વિશ્વાસઘાત કરી અત્યારસુધી તેઓ માટે કોઇ જ પ્રજાલક્ષી નક્કર કામો થયા નથી ત્યારે રાષ્ટ્રીય સમાજવાદી પાર્ટી એક આદર્શ વિકલ્પ તરીકે પ્રજાની સમસ્યા અને પ્રાણપ્રશ્નોને વાચા આપશે.
રાષ્ટ્રીય સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ એસ.યુ.ચતુર્વેદીએ ગુજરાતને મહાત્મા ગાંધી અને સરદાર પટેલના સેવેલા સપના મુજબનું રાજય બનાવીશું તેવો આશાવાદ વ્યકત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં મોંઘવારી, રોટી, કપડા અને મકાનની સમસ્યા, ભ્રષ્ટાચાર, શિક્ષણની કથળતી સમસ્યા, યુવા બેરોજગારી, કાયદો અને વ્યવસ્થાની ખાડે ગયેલી Âસ્થતિ સહિતની અનેક સમસ્યાઓ અને પ્રશ્નો વચ્ચે હાલ આમજનતા પીસાઇ રહી છે. પ્રજાને ભાજપ અને કોંગ્રેસના ઠાલા વચનો કે સ્વાર્થી રાજનીતિ નહી પરંતુ તેના પ્રાણપ્રશ્નોને વાચા આપી તેમનું જીવન સરળ, સહજ અને જીવવા લાયક બનાવે તેવા પક્ષના શાસનની ઇચ્છા છે.
રાષ્ટ્રીય સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ એસ.યુ.ચતુર્વેદીએ ભાજપ પર આકરા પ્રહાર કરતાં જણાવ્યુ કે, ભાજપ આટલા વર્ષોથી સત્તા પર છે તો, સવર્ણ લોકોને દસ ટકા અનામતની વાત લોકસભાની ચૂંટણી ટાણે જ કેમ યાદ આવી ? વળી, દેશમાં નોકરીઓ જ નથી તો, આરક્ષણનો ફાયદો શું ? ભાજપ સરકાર સામાન્ય પ્રજા નહી પરંતુ મોટા બે-ચાર ઉદ્યોગપતિઓ માટે જ કામ કરે છે અને તેથી દેશમાં દરેક ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર ખદબદી રહ્યો છે. ચતુર્વેદીએ ઉમેર્યું કે, દેશમાં હાલ નકસલવાદ, આંતકવાદ, કાશ્મીર અને ચીન બોર્ડર પરના ત્રાસ સહિતની સલામતીને લઇ સમસ્યાઓ વકરી રહી છે ત્યારે દેશને એક એવા પક્ષના નેતૃત્વની જરૂર છે કે જે દેશની આંતરિક સલામતી અને પ્રજાને એક વિશ્વાસ અને ભરોસો અપાવી શકે. જે રાષ્ટ્રીય સમાજવાદી પાર્ટી પરિપૂર્ણ કરવા ક્ષમતા ધરાવે છે.