નવીદિલ્હી : પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના અવસાન બાદ સાત દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી હતી. વાજપેયીના નિધનથી દેશમાં આઘાતનું મોજુ ફરી વળ્યું હતું. બીજી બાજુ દિલ્હીમાં આવતીકાલે તમામ બજારો, દુકાનો બંધ રહેશે. વાજપેયીના સન્માનમાં આ નિર્ણય કરાયો છે.
આશરે છ દશક સુધી ભારતીય રાજનીતિના સ્તંભ તરીકે રહી ચુકેલા ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી પાટનગર દિલ્હીમાં એમ્સમાં મૃત્યુ પામ્યા છે. તેમના આયુષ માટે તમામ પ્રકારની દુઆઓ અને પ્રાર્થનાઓ કરવામાં આવી હતી પરંતુ આ પ્રાર્થના અને પૂજા પણ કામ લાગી ન હતી અને ગઇકાલે વાજપેયીનું નિધન થયું હતું.
ભાજપના નેતા લાલજી ટંડને આજે કહ્યું હતું કે, તેમને એવી કોઇ વ્યક્તિ મળી નથી કે જે વ્યક્તિએ એમ કહ્યું હોય કે તેઓ અટલ બિહારી વાજપેયીને મળવા ગયા હતા અને તેમને મળી શક્યા ન હતા. લોકોને મળવાને લઇને તેઓ ખુબ સંવેદનશીલ રહેતા હતા. વાજપેયીએ અમૌસી વિમાની મથકે વિમાન હાઈજેકને લઇને પણ ખુબ જ સફળતાપૂર્વક ઓપરેશન હાથ ધર્યું હતું. પ્લેન હાઈજેકરે વિમાનને ફૂંકી મારવાની ધમકી આપી હતી પરંતુ સાથે સાથે એમ પણ કહ્યું હતું કે, જો અટલ બિહારી વાજપેયી આવી જાય તો તેઓ તમામ યાત્રીઓને છોડી દેશે. જેથી જા વડાપ્રધાન સાથે ચાલશે તો તમામ યાત્રીઓની જાન બચી જશે.
લખનૌના તત્કાલિન ડીએમ અને રાજ્યપાલ મોતીલાલ વોરાના સલાહકાર ગભરાઈને ગેસ્ટ હાઉસમાં પહોંચ્યા હતા અને લાલજી ટંડનને કહ્યું હતું કે, તેઓ વાજપેયીને મળવા માંગે છે. આના પર ભાજપના નેતાઓએ કહ્યું હતું કે, વાજપેયી ભોજન કરી લેશે ત્યારે વાતચીત થઇ જશે, પરંતુ ડીએમ અને રાજ્યપાલે ઇમરજન્સી હોવાની વાત કરી ત્યારે વાતચીત થઇ હતી અને આ લોકો દરવાજો ખોલીને વાજપેયીને મળવા પહોંચી ગયા હતા. એકાએક પહોંચેલા ડીએમને જાઇને વાજપેયીએ આવવા માટેનું કારણ પુછ્યું હતું. ડીએમે વાત કર્યા બાદ કોઇ આગળ વાત થાય તે પહેલા જ વાજપેયીએ ભોજન છોડી દીધું હતું અને ડીએમની સાથે ચાલવા તૈયાર થઇ ગયા હતા. ભાજપના નેતાઓ ઇન્કાર કરી રહ્યા હતા, પરંતુ વાજપેયી માન્યા ન હતા. તે વખતે લખનૌમાં કોઇ ખાસ સુવિધા ન હતી જેથી વાજપેયી એરપોર્ટના એક ટાવર પાસે પહોંચ્યા હતા. સંપર્ક થતાંની સાથે જ વાજપેયીએ હાઈજેકર સાથે વાત કરી હતી. હાઈજેકરે અટલ બિહારી વાજપેયીનો અવાજ સાંભળ્યો ત્યારે કહ્યું હતું કે, તમે અટલ બિહારી વાજપેયી નથી. એવું નક્કી થયું કે વાજપેયી વિમાનમાં જઇને યુવક સાથે વાતચીત કરશે. ભાજપના નેતા તૈયાર થયા ન હતા, પરંતુ વાજપેયીએ ડીએમને વિમાન સુધી પહોંચવા માટે કહ્યું હતું. વિમાનની નીચે પહોંચીને આ ચકચારી બાબતથી તમામ લોકો ચોંકી ઉઠ્યા હતા.
દરમિયાન આવતીકાલે સવારે નવ વાગે ભાજપ ઓફિસમાં વાજપેયીના પાર્થિવ શરીરને લઇ જવાશે. ૧.૩૦ વાગે અંતિમ યાત્રા શરૂ થશે. સાંજે ૫.૩૦ વાગે તેમના અંતિમ સંસ્કાર કરાશે.