દિલ્હીઃ લોકો રેડીમેડ કપડાની ખરીદી કરી રહ્યાં છે તેઓ માટે બ્રાંડ વાઇઝ સાઇઝમાં સમસ્યા અનુભવતા હોય છે, પરંતુ તેઓ માટે સારા સમાચાર છે. આ માટે રાષ્ટ્રીય સ્તરે માપનું સર્વેક્ષણ થવા જઇ રહ્યું છે. વસ્ત્ર મંત્રાલયના આધિન એનઆઇએફટી દ્વારા ઇંડિયા સાઇઝ નામક સર્વેક્ષણ અંતર્ગત ભારતીય વસ્તીના શરીરનું માપ લેવામાં આવશે. આ સર્વેક્ષણથી રેડીમેડ કપડાના માપનો ચાર્ટ વિકસિત કરી શકાશે. આ એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે, જેના અંતર્ગત ૧૫ થી ૬૫ વર્ષના લોકોનો આંકડો તૈયાર કરવામાં આવશે,જેથી રેડીમેડ ઉદ્યોગને ભારતીય વસ્તી અનુસાર માપ ડેટાબેસ બનાવવામાં સરળતા રહે.
એવા ખરીદદારોની સંખ્યા ખૂબ જ વધુ છે , જેઓને પોતાના માપ અનુસાર રેડીમેડ કપડાં શોધવામાં સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય. તેનું કારણ છે કે દેશના વિવિધ ભૌગોલિક ક્ષેત્રોના લોકોનું શારીરિક સૌષ્ઠવ અલગ-અલગ હોય છે. અત્યાર સુધી ૧૪ દેશોના રાષ્ટ્રીય માપ સર્વેક્ષણ સફળતા પૂર્વક કરવામાં આવ્યાં છે, જેમા અમેરિકા, કેનેડા, મેક્સિકો, ઇંગ્લેંડ, ફ્રાંસ, સ્પેન, જર્મની, કોરિયા, ચીન અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે.
આ સર્વેક્ષણ દરમિયાન ૩-ડી હોલ બોડી સ્કેનર જેવી સુરક્ષિત ટેકનોલોજી ઉપયોગમાં લેવામાં આવશે, જેથી શરીરનું સંપૂર્ણ માપ મળી શકે. પછીથી તેને માપ-ચાર્ટ બનાવવા માટે આ આંકડાઓનું વિશ્લેષણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ભારતીય વસ્ત્ર ઉદ્યોગ વિદેશોના માપ-ચાર્ટમાં ફેરબદલ કરી કપડા તૈયાર કરે છે. આ કારણોસર ૪૦ ટકા કપડા બદલવામાં આવે છે.
સ્ટાંર્ડડ માપ-ચાર્ટના અભાવના કારણે સાચું માપના વસ્ત્રો ઉપલબ્ધ કરાવવા ભારતના કપડા તથા રેડીમેડ ઉદ્યોગ માટે મોટો પડકાર છે. એક અનુમાન અનુસાર ભારતીય કપડા તથા વસ્ત્ર ઉદ્યોગ ૨૦૨૧ સુધી ૨૧ અરબ અમેરીકી ડોલર સુધી પહોંચી જશે.
આ યોજનાને ભારત સરકારે મંજૂરી આપી દીધી છે અને તે અંતર્ગત ૨૫ હજાર પુરૂષો અ મહિલાઓનું માપ લેવામાં આવશે. આ સર્વેક્ષણ દેશના ૬ ક્ષેત્રોના ૬ શહેરોમાં કરવામાં આવશે, જેમાં કોલકાતા (પૂર્વ), મુંબઇ (પશ્ચિમ), નવી દિલ્હી (ઉત્તર), હૈદરાબાદ (મધ્ય ભારત), બેંગલૂરુ (દક્ષિણ) અને શિલોંગ (પૂર્વોત્તર)નો સમાવેશ થાય છે. આ આંકડાઓ ગોપનીય રાખવામાં આવશે અને આ સર્વેક્ષણ શરૂ થયાના ૨ વર્ષમાં પૂર્ણ થશે.