આર્યાવર્ત ધ લાઈફ સેવિયર્સ સંસ્થા દ્વારા અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં “પ્રયાસ” નામથી રક્તદાન જાગૃતિ અને થેલેસેમિયા પ્રિવેન્શન માટે એક નેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ આયોજનમાં સમગ્ર ભારતમાંથી 100 જેટલી સામાજિક સંસ્થાઓ અને સમાજસેવકોએ ભાગ લીધો. આ કોન્ફરન્સમાં 9 વિશેષજ્ઞોના પેનલની રચના કરવામાં આવી હતી, જેની અધ્યક્ષતા G.S.C.B.T.ના ડિરેક્ટર ડૉ. કાર્તિક શાહ દ્વારા કરવામાં આવી.
આ અંગે કાર્યક્રમના આયોજક ગૌરાંગ મિશ્રાએ જણાવ્યું હતું કે, અહીં તમામ સમાજસેવકોએ કોન્ફરન્સના વિષય અંગે પોતપોતાની રાય રજૂ કરી. મુખ્ય મુદ્દાઓમાં “પ્રાથમિક શિક્ષણમાં રક્તદાન અને થેલેસેમિયાને સમાવી લેવા”, “દરેક ધર્મના ધાર્મિક ગુરુઓ દ્વારા રક્તદાનને પ્રોત્સાહન આપવું અને થેલેસેમિયાની જાગૃતિ ફેલાવવી”, “સરકારી હોસ્પિટલોમાં રક્તદાન માટેનો સમય વધારવો”, “રક્તદાતાઓને સમયાંતરે સન્માનિત કરવું”, “રક્તદાન દરમિયાન રક્તદાતાને ઇન્સ્યોરન્સ કવર મળવું”, “થેલેસેમિયા વિશે સરકાર દ્વારા વધુમાં વધુ જાહેરાતો કરવી”, અને “સરકારી હોસ્પિટલોમાં બ્લડ રિપ્લેસમેન્ટ માટે દર્દીઓને પરેશાન ન કરવું” જેવા મુદ્દાઓ મુખ્ય રહ્યા હતા.