ભારતના ચૂંટણી પંચ દ્વારા ડિસેમ્બર-૨૦૧૭માં યોજાયેલ વિધાનસભા સામાન્ય ચૂંટણીમાં વડોદરાના જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પી.ભારતીને ચૂંટણી પંચ દ્વારા તાજેતરમાં સીસ્ટેમેટીક વોટર એજ્યુકેશન એન્ડ ઇલેકટ્રલ પાર્ટીસીપેશન (sveep) કેટેગરીમાં સ્વીપની ઉત્કૃષ્ટ કામગીરી માટે નેશનલ એવોર્ડ પ્રાપ્ત થયો છે. આ અગાઉ પી.ભારતીને વર્ષ ૨૦૧૫ અને વર્ષ ૨૦૧૬માં ગોધરા ખાતે ઉત્તમ જિલ્લા ચૂંટણી અધિકારીનો પણ એવોર્ડ મળ્યો હતો.
ભારતના ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી દરમિયાન ઉત્તમ કામગીરી કરનાર જિલ્લા ચૂંટણી અધિકારીઓને વિવિધ એવોર્ડથી નવાજવામાં આવે છે. જેના ભાગરૂપે મહત્તમ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટેની મતદાન શિક્ષણ અને જાગૃતિની અસરકારક કામગીરી માટે વડોદરા કલેકટર પી.ભારતીને સ્વીપની ઉત્તમ કામગીરી માટે નેશનલ એવોર્ડ-૨૦૧૭ એનાયત કરવામાં આવ્યો છે. જેને પરિણામે જિલ્લાનું ગૌરવ વધ્યું છે.
કલેકટર પી.ભારતીએ જણાવ્યું કે, વિધાનસભા ચૂંટણી-૨૦૧૭માં અમદાવાદ, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર જેવા મોટા શહેરોની સરખામણીમાં વડોદરા શહેરની મતદાનની ટકાવારી ખૂબ જ ઊંચી રહી હતી. એટલું જ નહીં વડોદરા શહેરના મતદારોએ વર્ષ ૨૦૧૨ની ચૂંટણીની સરખામણીએ ૩.૫૦ લાખથી વધુ મતદારોએ આ ચૂંટણીમાં મતદાન કર્યું હતું. વિધાનસભા ચૂંટણી દરમિયાન મતદાન જાગૃતિ માટે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ, ઔદ્યોગિક સંસ્થાઓ, વ્યાપારી મંડળો, સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓના સહયોગથી મતદાર જાગૃતિ અને શિક્ષણ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેને પરિણામે વડોદરા જિલ્લાને આ એવોર્ડ પ્રાપ્ત થયો છે. વધુમાં ગ્રામ્ય કક્ષાએ બુથ લેવલ અવેરનેસ ગૃપ (Bags) દ્વારા પણ મતદાર જાગૃતિની અસરકારક કામગીરી કરવામાં આવી હતી.
કલેકટરશ્રીએ વડોદરા જિલ્લાનું ગૌરવ વધારતા એવોર્ડ બદલ સ્વીપ કામગીરી સાથે જોડાયેલ ચૂંટણી અધિકારીઓ, સુપરવાઇઝર, બીએલઓ, જિલ્લા-તાલુકા કક્ષાની સ્વીપ ટીમોનો આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા છે.