“Nation First”- ભલે થતુ કરોડોનું નુક્શાન, ગુજરાતના આ એસોસિએશને લીધો પાકિસ્તાન ન જવાનો નિર્ણય

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદઃ ગુજરાત ડાયસ્ટફ મેન્યૂફેક્ચરર્સ એસોસિએશન છેલ્લા ચાર વર્ષોથી પ્રમુખ યોગેશભાઇ પરીખની આગેવાની હેઠળ પાકિસ્તાનમાં યોજાતા કલર એન્ડ કેમ એક્ષ્પોમાં ભાગ લીધેલ છે અને આ વર્ષે પણ 9 – 10 માર્ચ 2019 દરમિયાન લાહોર પાકિસ્તાનમાં યોજાનાર ‘કલર એન્ડ કેમ એક્ષ્પો  2019’માં ભાગ લેવા માટે ગુજરાતની ડાયસ્ટફ કંપનીઓ દ્વારા આશરે 52 જેટલા પ્રતિનિધિઓ ભાગ લેવા માટે જવાના હતા અને આ માટે વીસા અરજી પણ કરવામાં આવી હતી. પાકિસ્તાનમાં મહીને આશરે રૂ. 50 કરોડ જેટલા ડાયસ્ટફ નિકાસ થાય છે.

તાજેતરમાં પુલવામામાં આતંકવાદી હુમલામાં દેશના 44 વીર જવાનો શહીદ થયા તે ઘટનાને એસોસિએશને વખોડી કાઢી દુઃખની લાગણી વ્યક્ત કરી માર્ચમાં યોજાનારા એક્ષ્પોમાં જવાનું રદ કરી દીધુ છે. આ નિર્ણયથી આ ઉદ્યોગોને 1.5થી 2 કરોડ રૂપિયાનું નુક્શાન થશે, પરંતુ ધંધો અને વેપાર કરતા “Nation First”ને ધ્યાનમાં રાખી તાત્કાલિક મિટીંગ બોલાવી સર્વાનુમતે આ ટ્રેડ શોમાં ન જવા માટેનો નિર્ણય કર્યો છે. આ માટે વીસ અરજી રદ કરવા માટે પાકિસ્તાન દૂતાવાસને પત્ર દ્વારા લેખિતમાં જાણ કરવામાં આવી છે અને પાકિસ્તાન કેમીકલ્સ એન્ડ ડાઇઝ એસોસીએશનને તેમના નામનો એક્ષ્પો દરમિયાન કોઇ પણ પ્રકારના બેનર પ્રિન્ટીંગ સાહિત્યમાં ના છાપવા કે પ્રદર્શન ન કરવા જણાવેલ છે.

ગુજરાત ડાયસ્ટફ મેન્યૂફેક્ચરર્સ એસોસિએશન સમગ્ર ગુજરાતમાં રંગ અને રસાયણ બનાવતા 1100થી વધુ સભ્યો ધરાવતુ એસોસિએશન છે, જે ટેક્ષટાઇલ કલરનું ઉત્પાદન કરી દેશ-વિદેશમાં વેચાણ કરે છે. જીડીએમએ અને ગુજરાત ચેમ્બર દ્વારા શહીદ જવાનોના કુંટુંબીજનો માટે કુલ રૂ. 55 લાખનો ફાળો જાહેર કરવામાં આવ્યો છે. આ એસોસિએશને રૂ. 25,51,000/- જેટલો ફાળો જાહેર કર્યો છે જે જીડીએમએ અને ગુજરાત ચેમ્બર દ્વારા સંયુક્ત રીતે શહીદોના કુટુંબીજનોને આપવામાં આવશે.

Share This Article