અમેરિકી અવકાશ સંશોધન સંસ્થા નાસાનું મહાત્વાકાંક્ષી મિશન ‘ધ ટ્રાન્સિટિંગ એક્સોપ્લાનેટ સર્વે સેટેલાઈટ (ટીઈએસએસ-ટેસ)’ આજે સાંજે લોન્ચ થવા જઈ રહ્યું છે. અમેરિકી સમય પ્રમાણે સોમવારે સાંજે સાડા છ કલાકે જ્યારે ભારતીય સમય પ્રમાણે મંગળવારે વહેલી સવારે લોન્ચ કરવાનું નાસાનું આયોજન હતું. એ પ્રમાણે જો મિશન સફળ રહ્યું હશે તો અત્યાર સુધીમાં આ પ્લાનેટ હન્ટર એટલે કે ગ્રહો શોધી કાઢનારું ટેલિસ્કોપ લોન્ચ થઈ ચૂક્યુ હશે.
કેપ્લર કરતાં ચડિયાતું આ ટેલિસ્કોપનું મૂળ કામ પૃથ્વી જેવા ગ્રહો (એક્સોપ્લાનેટ) શોધી કાઢવાનું છે. હાલ એ કામ કેપ્લર ટેલિસ્કોપ કરે છે. પરંતુ નાસાનું આ મહત્ત્વાકાંક્ષી મિશન કેપ્લરથી ચડિયાતું છે. તેનો કાર્યકાળ ૨ વર્ષ છે. આ દરમિયાન કેપ્લરે અત્યારે જેટલો આકાશી વિસ્તાર તપાસ્યો છે, તેનાથી ૪૦૦ ગણો વધારે વિસ્તાર તપાસશે. એ વિસ્તારમાં રહેલા લગભગ ૨ લાખથી વધુ તારા-ગ્રહ ટેસની નજર તળેથી પસાર થશે. સુર્યમાળાની બહાર તપાસ નાસાના કેપ કેનેવરેલ લોન્ચિંગ મથકેથી ખાનગી રોકેટ સ્પેસ એક્સ ફાલ્કનમાં સવાર થઈને ૩૫૦ કિલોગ્રામનો આ સેટેલાઈટ એટલે કે ટેલિસ્કોપ લોન્ચ કરવામાં આવશે.
સુર્યમાળાની બહાર પૃથ્વી જેવા, પૃથ્વી સાથે સામ્યતા ધરાવતા ગ્રહો શોધવા એ દુનિયાભરના અવકાશ વિજ્ઞાાનીઓ માટે પ્રાયોરિટી છે. નાસાએ એટલે જ એક્સોપ્લાનેટ કહેવાતા આવા ગ્રહો શોધવા માટે આ ટેલિસ્કોપ રવાના કરવાનો નિર્ણય લીધો હતો. ૨૭ જીબી જેટલી માહિતી નાસાના ટ્વીટર એકાઉન્ટ પર રજૂ થયેલી માહિતી પ્રમાણે ટેસ રોજની ૨૭ ગીગાબાઈટ જેટલી સામગ્રી એટલે કે સ્પેસ અંગેની માહિતી કન્ટ્રોલ મથકને મોકલશે. આ કામગીરી બે વર્ષ સુધી ચાલશે.
સંશોધકો એ માહિતીનું વિશ્લેષણ કરી તેમાંથી વિવિધ તારણ કાઢતા રહેશે. સેટેલાઈટ પ્રકારનું આ ટેલિસ્કોપ ભ્રણકક્ષામાં સતત ફરતું રહેશે અને લગભગ પૃથ્વીના ૧૩.૭ દિવસ થાય ત્યારે એક પરિભ્રમણ પુરું કરશે. આ ટેલિસ્કોપ પૃથ્વીથી ૧,૦૮,૦૦૦ કિલોમીટરથી લઈને ૩,૭૫,૦૦૦ કિલોમીટર સુધીના ફલકમાં ફરતું રહેશે. ૨૮.૭ કરોડ ડોલરનાં ચશ્માં પૃથ્વીથી જેમ ટેલિસ્કોપ ઊંચી ભ્રમણકક્ષામાં હોય એમ તેની કાર્યક્ષમતા વધી જાય. કેમ કે અવકાશમાં પૃથ્વીના વાતાવરણમાં હોય એવી અશુદ્ધિ નડતી નથી. માટે આ ટેલિસ્કોપની નજર અગાઉના કોઈ મિશનની નજર ન પહોંચી હોય ત્યાં સુધીના દૂરના બ્રહ્માંડમાં પહોંચશે. ટેલિસ્કોપ તૈયાર કરવામાં નાસાએ ૨૦ કરોડ ડોલરનો ખર્ચ કર્યો છે. જ્યારે બીજા ૮.૭ કરોડ ડોલરનો ખર્ચ લોન્ચિંગ માટે થશે. એ રીતે કુલ ૨૮.૭ કરોડ ડોલરના ખર્ચે મિશન પૂર્ણ થશે.