નાસાએ છેલ્લાં દશકા દરમિયાન ઉત્તર અને દક્ષિણ ધ્રુવના બર્ફિલા પ્રદેશો પર હવાઇ સફર કરીને કલાઇમેટ ચેન્જ અને વૈશ્વિક વાતાવરણનો અભ્યાસ કર્યો છે. પૃથ્વીના બંને ગોળાર્ધો તો અત્યાધુનિક સાધન દ્વારા છ માસનો સર્વે કર્યો છે. આ સાધનોમાં લેસર અલ્ટીમીટર, પ્લેન બેઝ લિડાર અને નાસાના કેટલાક સેટેલાઇટ ઉપયોગી થયા છે. તેઓને આ મિશન થકી આર્કટિક પર છવાયેલા બરફમાં અનિયમિત આકારના રહસ્યમય વર્તુળાકાર ખાડા જોઇને નાસાના વિજ્ઞાનીઓને આશ્ચર્ય ઉપજ્યું છે.
ચંદ્રની સફર કરીને આવેલા અને મંગળ પર જવાની તૈયારી કરી રહેલા વિજ્ઞાનીઓ પણ આ રહસ્યમય વર્તુળોને જોઇને માથુ ખંજવાળે છે. આઇસબ્રિજ મિશનના વડા વિજ્ઞાની જોહન સોન્ટેગેએ જણાવ્યું હતું કે તેમણે કદી આવા વર્તુળો જોયા હોય તેવું યાદ નથી. બરફ પર ત્રણ અમિબા જેવા છિદ્રો હતા. નાસાએ આ ઘટનાની તસવીરો પણ રજૂ કરી હતી. નાસાએ એપ્રિલ ૨૦૧૮ના પઝલરમાં આ તસવીરો મૂકી હતી. અને લોકોને આ સ્થળ શા માટે રસપ્રદ છે તે જણાવવા આમંત્રણ આપ્યું છે.
કેટલાક વાચકોએ આ ખાડા ઉલ્કાપાતથી થયેલા કે સૂકાઇ ગયેલા બરફના હોવાનું જણાવ્યું હતું. તો કોઇએ તેની સરખામણી ક્રોપ સર્કલ સાથે કરી હતી. કોઇએ પણ એલીયનનો ઉલ્લેખ કર્યો નથી. ઉલ્લેખનીય છે કે ઓપરેશન આઇસબ્રીજ બ્યૂફીર્ટ સી પર સંશોધન કરી રહ્યું હતું. ત્યારે આ તસવીર લેવામાં આવી હતી. નાસાના ગ્લેશિયોલોજિસ્ટે જણાવ્યા મુજબ આ ખાડા બરફના કુદરતી પીગળવાથી થયા હશે અથવા તો સીલ માછલીએ શ્વાસ લેવા માટે પાડયા હશે.