અમદાવાદ: મધ્યપ્રદેશ સહિતના ઉપરવાસમાં ભારેથી અતિ ભારે વરસાદને કારણે નર્મદા ડેમની સપાટીમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. સરદાર સરોવર ડેમની સપાટી હાલ ૧૧૩.૫૦ મીટરે પહોંચી ગઇ છે. છેલ્લા ૧૨ કલાકમાં જળ સપાટીમાં ૨.૫ મીટરનો વધારો થયો છે. ઉપરવાસમાંથી ૧,૦૨,૪૧૪ ક્યુસેક પાણીની આવક થતા ડેમની સપાટીમાં વધારો થયો છે. ઉપવારસમાં ભારે વરસાદના કારણે નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો અને આવક નોંધાઇ રહ્યા છે.
નર્મદા ડેમની સપાટીમાં ત્રણ મીટરનો વધારો થતા હવે અગામી ૯ મહિના સુધી રાજયને પીવા અને સિંચાઈ માટે ચાલે તેટલા પાણીનો સંગ્રહ થયો છે. જેને લઇ નર્મદા ડેમના સત્તાધીશો અને રાજય સરકારને મોટી રાહત થઇ છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નર્મદા ડેમની જળ સપાટીમાં શુક્રવારે ૧૧૧.૩૦ મીટરે પહોંચી હતી. ઉપરવાસમાં સતત પડી રહેલા વરસાદને કારણે પાણીની આવક વધતા જળ સપાટી દર કલાકે ૩થી ૪ સેન્ટિમીટર વધી રહી હતી. ગઈકાલે માત્ર ૧૨ કલાકમાં જ જળ સપાટી ૩૨ સેન્ટિમીટર વધી હતી. નર્મદા ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નર્મદા ડેમમાં પાણીની આવકમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. અગાઉ આ આવક ૪થી ૫ હજાર ક્યુસેક હતી. જે વધીને ૬૭૪૭.૦ હજાર ક્યુસેક થઈ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ વરસાદ ન આવવાના એધાણને કારણે નર્મદા ડેમમાં પાણીની સપાટી ઘટશે તેવી શકયતા હતી. પરંતુ મધ્યપ્રદેશમાં વરસાદને પગલે નર્મદા ડેમમાં પાણીની આવકમાં ક્રમશ વધારો થઈ રહ્યો છે. ડેમની જળ સપાટીમાં વધારો થવાના પગલે ખેડૂતોમાં પણ આનંદનું મોજું ફરી વળ્યું છે. તો, સરકાર અને તંત્રએ પણ રાહતનો દમ લીધો છે. હજુ પણ નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થવાની તંત્રએ આશા સેવી હતી.