ગુજરાતમાં આવનારા ઉનાળામાં જળસંકટ આવશે તે બાબતથી સૌ કોઇ ચિંતાગ્રસ્ત હતા. ગુજરાતમાં જે લોકો પીવાના પાણી માટે નર્મદા પર આધારિત હતા તેઓ માટે આ બાબત સમસ્યારૂપ હતી. પરંતુ આ બાબતે રાહતના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યાં છે. હાલ પુરતી આ સમસ્યા ટળી છે અને ૩૧ જુલાઇ સુધી પીવાના પાણીની કોઇ સમસ્યા પહેશે નહિ. આ સમાચાર પીવાનું પાણી મેળવનાર ૧૦ હજાર ગામ અને ૧૬૭ નગર માટે રાહત લઇને આવ્યા છે.
નવી દિલ્હીમાં મળેલી નર્મદા કન્ટ્રોલ ઓથોરિટીની બેઠકમાં ગુજરાતને પીવાના પાણી માટે સિપેજ અને ડેડ વોટરની ફાળવણી નર્મદામાંથી કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ અંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ નર્મદા કન્ટ્રોલ ઓથોરિટીનો આભાર વ્યક્ત કર્યો છે.
વિજય ભાઈએ આ સંદર્ભમાં જણાવ્યું કે, આ પરવાનગી મળતા રાજ્યમાં પીવાના પાણીનું સંકટ ટળી ગયું છે. નર્મદા આધારિત પાણી મેળવતા ૧૦ હજાર જેટલા ગામો અને ૧૬૭ નગરને આના પરિણામે ૩૧ જુલાઈ, ૨૦૧૮ સુધી પીવાના પાણીની કોઇ સમસ્યા રહેશે નહીં, તેમ તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ ગુજરાતના હિતના આ નિર્ણય માટે સંબંધિત રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીઓનો પણ આભાર માન્યો છે.