રાહુલ ગાંધી ગઇ કાલે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન આક્રમક દેખાયા હતા. પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન લોકસભામાં એક અજબ નજારો જોવા મળ્યો હતો. પોતાના સંબોધનને પૂર્ણ કર્યા બાદ રાહુલ મોદીને ગળે મળ્યા હતા. એકાએક જ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષના આ પ્રકારના વલણથી એક વખત મોદી પોતે પણ આશ્ચર્યચકિત થઇ ગયા હતા.
ત્યારબાદ મોદી પણ રાહુલ ગાંધીને હાથ મિલાવીને શુભકામના આપતા નજરે પડ્યા હતા. મોદીને ગળે મળ્યા બાદ કહ્યું હતું કે, હિન્દુ હોવાનો મતલબ આજ થાય છે. રાહુલ ગાંધીના આ પ્રકારના વલણથી તમામ લોકો પણ આશ્ચર્યચકિત થયા હતા. બીજી બાજુ લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ઉગ્ર ચર્ચા દરમિયાન આક્ષેપ પ્રતિઆક્ષેપનો દોર જારી રહ્યો હતો. કેટલાક એવા પળ પણ આવ્યા હતા જ્યારે સમગ્ર ગૃહમાં હાસ્ય ફેલાઈ ગયું હતું.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી જ્યારે બોલી રહ્યા હતા ત્યારે ભાષણ દરમિયાન બે વખત એવા નજારા પણ જોવા મળ્યા હતા જ્યારે મોદી હસી પડ્યા હતા. રાહુલ ગાંધી ઘણા સમય સુધી હસતા નજરે પડ્યા હતા. રાહુલ ગાંધી મોદીની વિદેશ નીતિનો ઉલ્લેખ કરીને કહી રહ્યા હતા કે, વડાપ્રધાન બહાર જતા નથી. રાહુલના આ નિવેદનથી તમામ લોકો હસવા લાગી ગયા હતા. ત્યારબાદ રાહુલે તરત નિવેદનને સુધારીને કહ્યું હતું કે, વડાપ્રધાન બહાર તો જાય છે પરંતુ માત્ર ઓબામા અને ટ્રમ્પને મળવા જાય છે. જો કે, મોદી પર હુમલાનો દોર રાહુલે જારી રાખ્યો હતો.