લોકસભામાં ગઇ કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત ઉપર ઉગ્ર અને ગરમાગરમ ચર્ચા યોજાઈ હતી. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આક્રમક સંબોધન કર્યું હતું. રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં અનેક મુદ્દા ઉપર સરકારને ભીંસમાં લેવાના પ્રયાસ કર્યા હતા. રાહુલે એક અલગ જ અંદાજમાં ભાષણ આપીને તમામને રોમાંચિત કરી દીધા હતા. કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધીએ ચર્ચાની જવાબદારી સંભાળી હતી. મોદી સરકાર પર અનેક તેજાબી પ્રહારો કરીને સળગતા મુદ્દા ઉઠાવ્યા હતા. રાહુલ ગાંધીના ૧૦ પ્રશ્નો નીચે મુજબ રહ્યા હતા
- વડાપ્રધાન મોદીએ દેશના લોકોને તેમના ખાતામાં ૧૫ લાખ રૂપિયા જમા કરવાની વાત કરી હતી
- મોદીએ દર વર્ષે બે કરોડ લોકોને રોજગારી આપવાની વાત કરી હતી
- મોદીએ એક વખતે કહ્યું હતું કે, તેઓ દેશના ચોકીદાર છે પરંતુ અમિત શાહના પુત્રની આવક જ્યારે ૧૬ હજાર ગણી વધી ગઈ ત્યારે કોઇપણ વાત કરી ન હતી
- રાફેલની સાથે યુપીએના ગાળા દરમિયાન આશરે ૫૨૦ કરોડ પ્રતિવિમાનની સોદાબાજી થઇ હતી પરંતુ ત્યારબાદ એવું બન્યું કે મોદી ફ્રાંસની યાત્રાએ ગયા હતા અને આ ડિલ ૧૬૦૦ કરોડ રૂપિયા પ્રતિવિમાન થઇ ગઇ હતી. જ્યારે વિગત માંગવામાં આવી ત્યારે સંરક્ષણમંત્રીએ કહ્યું હતું કે, ગુપ્ત શરતોના કારણે તે જાહેર કરાશે નહીં પરંતુ ફ્રાંસના પ્રમુખે જ્યારે તેમની સાથે વાત કરી ત્યારે આ પ્રશ્ન કર્યો હતો અને ફ્રાંસના પ્રમુખે કહ્યું હતું કે, આવી કોઇ શરત ડિલમાં નથી. આનો મતલબ એ થયો કે આ સંબંધમાં નિર્મલા સીતારામન ખોટુ નિવેદન કરી રહ્યા છે.
- મોદી હસી રહ્યા છે પરંતુ તેઓ જાણે છે કે, મોદી નર્વસ દેખાઈ રહ્યા છે. તેઓ ઇમાનદાર રહ્યા નથી જેથી તેઓ તેમની સાથે નજર મિલાવી શકતા નથી. મોદી હવે ચોકીદાર નહીં ભાગીદાર બની ગયા છે
- મોદી જ્યારે ચીનના પ્રમુખ સાથે ગુજરાતમાં ઝુલા પર બેઠા હતા ત્યારે ૧૦૦૦ ચીની સૈનિકો અમારી સરહદમાં ઘુસી ગયા હતા. ત્યારબાદ ચીને ડોકલામમાં પોતાના સૈનિકો મોકલી દીધા હતા. અમારા સૈનિકોએ તેમને પાછળ ધકેલી દીધા હતા. ત્યારબાદ મોદી એજન્ડા વગર ચીન જતા રહ્યા હતા. ડોકલામના મુદ્દા ઉપર કોઇ વાત થઇ ન હતી. ચીન ૫૦ હજાર યુવાનોને ૨૪ કલાકમાં રોજગારી આપે છે જ્યારે મોદી સરકાર આ અવધિમાં ૪૦૦ લોકોને રોજગાર આપે છે.
- ખબર નહીં ક્યાંથી સંદેશો મળ્યો કે રાત્રે આઠ વાગે મોદીએ નોટબંધીનો નિર્ણય અમલી કરી દીધો હતો
- મોદી સરકારે ૨૦-૨૫ ઉદ્યોગપતિઓની અઢી લાખ કરોડની લોન માફ કરી દીધી છે પરંતુ ખેડૂતોની લોન માફી કરતી નથી
- મહિલાઓ, દલિતો અને વંચિત લોકો શિકાર થઇ રહ્યા છે. તેમને માર મારવામાં આવી રહ્યા છે પરંતુ મોદી કોઇ વાત કરી રહ્યા નથી
- મોદી અને અમિત શાહ બે અલગ અલગ પ્રકારના રાજનેતા છે. તેમને સત્તાથી દૂર રહેવાની બાબત ચલાવી શકાતી નથી. મોદી અને શાહના મનમાં ભયથી ગુસ્સો આવે છે જેથી સમગ્ર દેશ પરેશાન છે