અમદાવાદ : શહેરની નારાયણા મલ્ટિસ્પેશિયાલ્ટી હોસ્પિટલે અત્યંત નબળાં હૃદય સાથે ગંભીર ઓર્ટિક સ્ટેનોસિસ(એએસ) સાથે ૭૬ વર્ષનાં વૃધ્ધ પર તાવી (ટ્રાન્સકેથેટર ઓર્ટિક વાલ્વ ઇમ્પ્લાન્ટેશન) સફળતાપૂર્વક હાથ ધર્યું છે. આ હોસ્પિટલની પ્રથમ તાવી પ્રક્રિયા છે અને ગુજરાત રાજ્યમાં બાઇક્યુસ્પિડ ઓર્ટિકમાં તાવી પધ્ધિતનો આ કદાચ પ્રથમ સફળ કિસ્સો છે. ઉપરાંત આ પ્રક્રિયા હોસ્પિટલને તાવી માટે અતિ તાલીમબદ્ધ અને સ્પેશિયાલાઇઝ ડોક્ટર્સ ધરાવતી અત્યંત ઓછી હોસ્પિટલમાંની એક બનાવે છે.
નારાયણા હોસ્પિટલના કાર્ડિયાક સર્જરીનાં સીનિયર કન્સલ્ટન્ટ ડો.અતુલ મસ્લેકર અને સ્ટ્રક્ચરલ હાર્ટ ડિસીઝ ઇન્ટરવેન્શન્સનાં ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ અને ક્લિનિકલ લીડ ડો. માણિક ચોપરા સહિતના નિષ્ણાતોની ટીમ દ્વારા રાજસ્થાનના સાંચોરના વતની એવા ૭૬ વર્ષીય અરૂરામ બિશ્નોઇ પર તાવી પધ્ધતિને સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી, જેને પગલે આ ગરીબ વૃધ્ધ દર્દીને નવજીવન બક્ષાયું હતું. તાવી પધ્ધતિની આ સફળતા બાદ હવે સાંકડો વાલ્વ ધરાવતા વયોવૃધ્ધ દર્દીઓ માટે આશા બંધાઇ છે. જે અંગે ડો.અતુલ મસ્લેકર અને ડો.માણિક ચોપરાએ જણાવ્યું હતું કે, થોડાં મહિનાઓ અગાઉ દર્દીને ચાલતાં ચાલતાં છાતીમાં દુઃખાવો અને શ્વાસ ફૂલાઈ જવાનું શરૂ થયું હતું.
તેમને નારાયણા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યાં હતાં, કાર્ડિયાક સર્જરીનાં સીનિયર કન્સલ્ટન્ટ ડો.અતુલ મસ્લેકર અને સ્ટ્રક્ચરલ હાર્ટ ડિસીઝ ઇન્ટરવેન્શન્સનાં ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ અને ક્લિનિકલ લીડ ડો. માણિક ચોપરાની આગેવાનીમાં એક ટીમે પ્રાથમિક પરીક્ષણો, સીટી સ્કેન અને નિદાન હાથ ધર્યા હતાં, કારણ કે કેલ્સિફિક ઓર્ટિક સ્ટેનોસિસ એડવાન્સ સ્ટેજમાં હતું. ઓર્ટિક સ્ટેનોસિસ વયોવૃદ્ધ લોકોની સમસ્યા છે. વૃદ્ધ લોકોમાં વાલ્વમાં ડિજનરેટિવ ફેરફારો થવાનાં કારણે ઓર્ટિક વાલ્વનું સ્ટેનોસિસ થાય છે. આ બિમારી દર્દીનાં આયુષ્યમાં નોંધપાત્ર ઘટાડો પણ કરે છે. આ પ્રકારની સ્થિતિમાં પર્ક્યુટેનિયસ ઓર્ટિક વાલ્વ ઇમ્પ્લાન્ટેશન અથવા તાવી ઓપન-હાર્ટ સર્જરીનો વિકલ્પ ઓફર કરે છે. ડો.મસ્લેકરે ઉમેર્યું કે, તાવી નવા ટિશ્યૂ વાલ્વ સાથે હાલનાં વાલ્વને બદલવાની રીત છે, જેમાં ઓપન હાર્ટ સર્જરીની જરૂરિયાત વિના હૃદય કામ કરે છે.
તાવી અત્યારે તમામ દર્દીઓને ઓફ થાય છે, જેઓ ગંભીર ઓર્ટિક સ્ટેનોસિસ ધરાવે છે. તાવીનાં ફાયદા વિશે ડો,માણિક ચોપરાએ જણાવ્યું કે, આ પ્રક્રિયા સ્થાનિક એનેસ્થેશિયા સાથે દર્દીને બેભાન કરીને કરી શકાય છે અને તેમાં છાતી ખોલવાની જરૂર નથી. ઉપરાંત દર્દી સર્જરીનાં ૧૦ કલાકની અંદર હલનચલન કરી શકે છે અને જો કોઈ જટિલતા નહીં જોવા મળે, તો ૪૮ કલાક સુધીમાં રજા મળી જાય છે. દર્દીની ઉંમર અને એમનાં નબળાં હૃદયને ધ્યાનમાં રાખીને આર્ટિિફશિયલ વાલ્વને લઘુતમ ઇન્વેશન પ્રક્રિયા- તાવી દ્વારા એમની છાતીમાં મૂકવામાં આવ્યું હતું. આ માટે કેથેટર તરીકે ઓળખાતી પાતળી ટ્યુબ એક નાનાં કાપા દ્વારા જમણાં સાથળ મારફતે ઘુસાડવામાં આવી હતી.
ધાતુનાં નાનાં કેજમાં સ્ટેન્ટ તરીકે ઓળખાતો વાલ્વ બલૂન કેથેટર પર વળીને ગોઠવાઈ ગયો હતો. જ્યારે કેથેટર હૃદયની અંદર ઉચિત પોઝિશનમાં હતું, ત્યારે કામચલાઉ પેસિંગ સિસ્ટમનો ઉપયોગ કરીને હૃદયનાં ધબકારા ઝડપથી થતાં હતાં. પછી બલૂનમાંથી ધીમે ધીમે હવા નીકળી ગઈ હતી, પેસિંગ બંધ થઈ ગયું હતું અને વાલ્વએ સ્ટેન્ટની આસપાસ પોઝિશન લીધી હતી. પછી કેથેટરને દૂર કરવામાં આવ્યું હતું અને ટાંકા લઈને નાનો ઘા પુરવામાં આવ્યો હતો. આ સર્જરી આશરે દોઢ કલાકમાં પૂર્ણ થઈ હતી. દર્દીને ૪૮ કલાક પછી રજા આપવામાં આવી હતી અને હવે તેમની તબિયત સારી છે તથા પોતાનું રોજિંદુ જીવન જીવે છે. નારાયણા હોસ્પિટલની આ એક અનોખી સિધ્ધિ કહી શકાય.