અમદાવાદ : વર્ષ ૨૦૧૩માં સુરતની સાધિકા બહેનોએ નારાયણ સાંઈ સામે નોંધાવેલી દુષ્કર્મની ફરિયાદના ચકચારભર્યા કેસમાં સુરત સેશન્સ કોર્ટના એડિશનલ સેશન્સ જજ પી.એસ.ગઢવીએ આજે બહુ મહત્વનો અને ઐતિહાસિક ચુકાદો જાહેર કર્યો હતો અને ખૂબ જ સંવેદનશીલ એવા આ કેસમાં કોર્ટે આરોપી નારાયણ સાંઇને આજીવન કેદની આકરી સજા ફટકારી હતી. કોર્ટે નારાયણ સાંઇને એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.સાથે સાથે આ કેસમાં ભોગ બનનાર પીડિતાને રૂ.પાંચ લાખનું વળતર ચૂકવવા પણ કોર્ટે નારાયણ સાંઇને હુકમ કર્યો હતો.
કોર્ટે નારાયણ સાંઇના સેવકો એવા ગંગા-જમના અને હનુમાનને પણ આ કેસમાં દસ-દસ વર્ષની સખત કેદની આકરી સજા ફટકારી હતી. જયારે આરોપી રમેશ મલ્હોત્રાને છ મહિનાની કેદની સજા કરી હતી. કોર્ટે આ તમામ આરોપીઓને રૂ.પાંચ હજારનો દંડ પણ ફટકાર્યો હતો. નારાયણ સાંઇ કેસનો ઘટનાક્રમ નીચે મુજબ છે.
- ૬-૧૦-૨૦૧૩ ના રોજ સુરત જહાંગીરપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો
- ૪-૧૨-૨૦૧૩ના રોજ પોલીસે પંજાબ દિલ્હી બોર્ડર પરથી પકડી લીધો
- ૪-૧૨-૨૦૧૩ ની સાંજે ફલાઇટ મારફતે સુરત લાવવામાં આવ્યો
- ૪-૧૨-૨૦૧૩ના રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે સુરત કેસમાં ધરપકડ કરી
- ૫-૧૨-૨૦૧૩ના રોજ નારાયણ સાંઈને સુરત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો
- ૫-૧૨-૨૦૧૩ના રોજ સુરત પોલીસને અલગ અલગ મુદ્દાઓ પર ૧૪ દિવસના રિમાન્ડ મળ્યા
- રિમાન્ડ પૂર્ણ થયા બાદ નારાયણ સાંઈ લાજપોર જેલમાં સમય વિતાવી રહ્યો છે
- છ વર્ષ સુધી ટ્રાયલ ચાલી
- ૨૬મી એપ્રિલ ૨૦૧૯ના દિવસે નારાયણ સાંઇ અને અન્યોને દોષિત ઠેરવવામાં આવ્યા હતા
- ૩૦મી એપ્રિલ ૨૦૧૯ના દિવસે નારાયણ સાંઇ અને અન્યોને સજા કરવામાં આવી. નારાયણ સાંઇને આજીવન કારાવાસની સજા કરવામાં આવી અને દંડ પણ કરાયો