અમદાવાદ : વર્ષ ૨૦૧૩માં સુરતની સાધિકા બહેનોએ નારાયણ સાંઈ સામે નોંધાવેલી દુષ્કર્મની ફરિયાદના ચકચારભર્યા કેસમાં સુરત સેશન્સ કોર્ટના એડિશનલ સેશન્સ જજ પી.એસ.ગઢવીએ આજે બહુ મહત્વનો અને ઐતિહાસિક ચુકાદો જાહેર કર્યો હતો અને ખૂબ જ સંવેદનશીલ એવા આ કેસમાં કોર્ટે આરોપી નારાયણ સાંઇને આજીવન કેદની આકરી સજા ફટકારી હતી.
૧૧ વર્ષ બાદ દુષ્કર્મની ફરિયાદ થઇ હોય અને સજા થઇ હોય તેવો સૌપ્રથમ ચુકાદો
નારાયણ સાંઇને આજીવન કેદની આકરી સજાનો ચુકાદો એટલા માટે પણ ઐતિહાસિક અને મહત્વનો છે કારણ કે, બનાવના ૧૧ વર્ષ બાદ દુષ્કર્મની ફરિયાદ થઇ હોય અને જન્મટીપની આકરી સજા થઇ હોય તેવો આ સૌપ્રથમ ચુકાદો હોઇ તેની બહુ અગત્યતા વધી જાય છે. સુરતના જહાંગીરપુરા સ્થિત આશ્રમમાં સાધિકા પર વર્ષ ૨૦૦૨માં દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, જેની ફરિયાદ ૧૧ વર્ષ બાદ એટલે કે ૨૦૧૩માં થઈ હતી. ફરિયાદ બાદ નારાયણની ૫૮ દિવસ બાદ કુરુક્ષેત્રથી ધરપકડ કરવામાં આવી હતી. નારાયણ સતત ૫૮ દિવસ સુધી ભાગતો રહ્યો હતો. સાડા પાંચ વર્ષથી જેલમાં બંધ નારાયણ સામે છ વર્ષ સુધી ટ્રાયલ ચાલ્યો હતો અને આખરે આ કેસમાં આજે સુરત સેશન્સ કોર્ટે નારાયણ સાંઇને આજીવન કેદની સજા ફટકારતો સબક સમાન અને ઐતિહાસિક ચુકાદો જારી કર્યો હતો.
ચુકાદાને ગુજરાત હાઇકોર્ટમાં પડકારાશે
આસારામ આશ્રમના વકીલે જણાવ્યું હતું કે, અમે અદાલતના ચુકાદાને સન્માન આપીએ છીએ પરંતુ અમારા બાપુ નિર્દોષ છે. અમે કોર્ટ પાસે દોઢ વર્ષની સજા માંગ કરતી દલીલો કરી હતી પરંતુ કોર્ટને જે યોગ્ય લાગ્યુ તે પ્રમાણે આજનો ચુકાદો આપ્યો છે, તેથી હવે અમે આ ચુકાદાને ગુજરાત હાઇકોર્ટમાં પડકારીશું. નીચલી અદાલતનો ચુકાદો અંતિમ ચુકાદો નથી હોતો ન્યાય પ્રણાલીમાં અમને ઉપલી અદાલતમાં ચુકાદો પડકારવાની છૂટ છે. અમે આ ચુકાદાનો અભ્યાસ કરી તેને ગુજરાત હાઇકોર્ટમાં પડકારીશું. સમગ્ર કોર્ટ સંકુલમાં પોલીસનો લોખંડી જાપ્તો ખડકાયો
સાધિકા પર દુષ્કર્મ કેસમાં સુરત સેશન્સ કોર્ટ દ્વારા આજે નારાયણ સાંઇ સહિતના પાંચ આરોપીઓને સજાનો ચુકાદો સંભળાવવાનો હોઇ વહેલી સવારે ૧૧ વાગ્યાથી જ પોલીસ લોખંડી જાપ્તા વચ્ચે નારાયણ સાંઇ સહિતના આરોપીઓને લઇ કોર્ટમાં આવી પહોંચી હતી. તો બીજીબાજુ, મોટી સંખ્યામાં નારાયણ સાંઈના સમર્થકો પણ કોર્ટ પરિસરમાં ઉમટી પડયા હતા. નારાયણ સાંઈ સહિતના આરોપીઓને કોર્ટમાં લવાયા હોઇ અને સજાનું એલાન થવાનું હોઇ પોલીસે અગમચેતીના ભાગરૂપે સમગ્ર કોર્ટ પ્રાંગણમાં અને તેની ફરતો લોખંડી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. ડોગ સ્કવોડની મદદથી પણ પોલીસે તપાસ કરી હતી. જ્યારે કોર્ટમાં જવાના રસ્તાઓ પર બેરિકેટ લગાવી દેવામાં આવ્યા હતા. કોઈ અનિચ્છનિય ઘટના ન બને તેની તકેદારી રાખવા પોલીસે લોખંડી અભેદ્ય કવચ ઉભુ કરી દીધુ હતું.
ધર્મગુરૂ પિતા-પુત્રને જન્મટીપની સજા થઇ હોય તેવી પહેલી ઘટના
સમાજમાં ધર્મગુરૂ બનીને બેઠેલા પિતા આસારામ અને તેના પુત્ર નારાયણ સાંઇને બંનેને અલગ-અલગ બળાત્કાર કેસમાં જન્મટીપની સજા થઇ હોય તેવો આ પહેલી ઘટના છે, જે બહુ દાખલારૂપ અને સબકસમાન બની રહી છે. ગત તા.૨૫ એપ્રિલ, ૨૦૧૮ના રોજ નારાયણ સાંઈના પિતા આસારામને પણ જોધપુર કોર્ટે યૌનશોષણ કેસમાં આજીવન કેદની સજા ફટકારી હતી. આસારામ સાથે શિલ્પી અને શરદચંદ્રને પણ ૨૦-૨૦ વર્ષની સજા ફટકારી હતી. હાલ આસારામ આજીવન કેદની સજામાં જેલમાં બંધ છે. ત્યારે હવે આ જ પ્રકારે સુરત સેશન્સ કોર્ટે પણ નારાયણ સાંઇને જન્મટીપની આકરી સજા ફટકારી છે, તો તેના અનુયાયી સેવકોને મદદગારી બદલ દસ-દસ વર્ષની સજા ફટકારી છે.