અમદાવાદ: અમદાવાદ શહેરમાં હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોલિશન પાર્ટ-૨ની કાર્યવાહી ચાલી રહી હોય એમ લાગી રહ્યું છે. આજે દબાણ હટાવ ઝૂંબેશ અંતર્ગત કોર્પોરેશન દ્વારા નારણપુરાના અંકુર કોમ્પ્લેક્સમાં ગેરકાયદેસર દબાણ તોડી પાડવામાં આવ્યું હતું. જેમાં કિટલી, કાકા વડાપાઉં અને તમામ રોડ સાઇડ શેડને હટાવવામાં આવ્યા હતા. આ સિવાય પણ અમ્યુકો તંત્ર દ્વારા રસ્તામાં અતરાયરૂપ કેટલાક દબાણો અને અનઅધિકૃત શેડ સહિતના બાંધકામો દૂર કરાયા હતા. અમ્યુકો તંત્રની આજની કાર્યવાહીને પગલે સ્થાનિક દુકાનદારો અને વેપારીઓમાં ભારે ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી.
નારણપુરા-અંકુર વિસ્તારમાં અમ્યુકોની ટીમ દબાણો હટાવી રહી હોવાના સમાચાર વાયુવેગે ફેલાતાં નજીકના ઘાટલોડિયા, પ્રગતિનગર, શા†ીનગર સહિતના વિસ્તારોના દુકાનદારો અને વેપારીઓમાં તંત્રની ટીમ કયાંય તેમના વિસ્તારમાં ના ત્રાટકે તેની દહેશતમાં ડૂબ્યા હતા. શહેરમાં કેટલાક વિસ્તારોમાં અગાઉ રોડ પરના દૂર કરાયેલા દબાણો પૂર્વવત થઇ ગયા હતા.
તેને લઇ મ્યુનિસિપલ તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉદભવ્યા હતા. ત્યારબાદ તાજેતરમાં જ તા. ૪ ઓક્ટોબરના રોજ અમ્યુકો તંત્ર દ્વારા એકસામટા ત્રણ ઝોનમાં પોલીસ બંદોબસ્ત સાથે મોટાપાયે દબાણ હટાવ ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં કોમર્શિયલ શેડ પ્રકારના કુલ ૨૦૨ દબાણો તોડી પાડવામાં આવ્યા હતા. લારી-ગલ્લા-ઓટલાના દબાણો મળીને કુલ ૫૦૦ દબાણ હટાવામાં આવ્યા હતા. આ કામગીરી બાદ આજે અમ્યુકો તંત્ર નારણપુરા, અંકુર સહિતના કેટલાક વિસ્તારોમાં ત્રાટકયુ હતુ અને ડિમોલિશનની કામગીરી હાથ ધરી હતી. આગામી દિવસોમાં પણ તંત્રની ઝુંબેશ ચાલુ રહે તેવી પૂરી શકયતા છે.