યુવાશક્તિનો ટેકનોલોજીયુક્ત શિક્ષણ પુરૂ પાડવા નમો ટેબ્લેટ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ છાત્રશક્તિને રાષ્ટ્રશક્તિ ગણાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, યુવા મહોત્સવો યુવાધનની આંતરિક શક્તિઓને બહાર લાવી રાષ્ટ્રભકિત માટે પ્રેરણાના પણ અવસર છે. આ યુવાશક્તિના થનગનાટથી જ ગુજરાત વાયબ્રન્ટ છે. મુખ્યમંત્રીએ રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ત્રિ-દિવસીય યુવક મહોત્સવનો શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવ્યો હતો. તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના છાત્રોને નમો ઇ ટેબલેટનું પ્રતીક વિતરણ કર્યુ હતું, આ ટેબલેટ રાજયના યુવાનોને ટેકનોલોજી સાથે જોડવામાં મદદરૂપ થશે. એવો આશાવાદ વ્યકત કર્યો હતો.

મુખ્યમંત્રીએ સૌરાષ્ટ્રના સપૂતો જામ રણજીતસિંહજી, ભકત કવિ નરસિંહ મહેતા, સંતો, શુરાઓ, વગેરેને આ તકે નતમસ્તકે યાદ કર્યા હતા અને તેમના પ્રદાનને બિરદાવ્યું હતું ગુજરાતીઓની વ્યવસાય પ્રીતિની સરાહના કરતાં પણ મુખ્યમંત્રીએ રાજયનો યુવાન નોકરી વાંચ્છુ નહિં પરંતું સ્વરોજગારના સર્જન થકી નોકરીદાતા બને એવો ઉપસ્થિત યુવાનોને અનુરોધ કર્યો હતો. શિક્ષણ ઉપરાંત રોજગાર ક્ષેત્રે ગુજરાતના યુવાનોને અવ્વલ રાખવા  મુખ્યમંત્રીએ મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજનાની વિગતો આપતાં ઉમેર્યું હતું કે, રાજયના ૧ લાખ યુવાનોને કૌશલ્યસભર બનાવવાના લક્ષ્યાંક સામે અત્યાર સુધી કુલ ૫૩ હજાર યુવાનોને તેમની રૂચિ મુજબના ક્ષેત્રમાં કુશળ બનાવી તેમના માટે રાજય સરકારે રોજગારીનું સર્જન કર્યું છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથેનાં પોતાનાં સંસ્મરણો વાગોળતાં રૂપાણી મુખ્યમંત્રી તરીકેનો હોદ્દો ક્ષણભર ભૂલીને ભાવુક બની ગયા હતા. રાજયનાં યુવાનોને તેમની રૂચિ મુજબનું શિક્ષણ ઘરઆંગણે જ ઉપલબ્ધ બનાવવાની તેમણે ખાત્રી ઉચ્ચારી હતી, જેના સમર્થનમાં રાજયસરકારે સ્થાપેલી કૃષિ, રક્ષા, ફોરેન્સિક, મરિન, પેટ્રોલીયમ, સંસ્કૃત વગેરે વિવિધ પ્રકારની યુનિવર્સિટીઓનો તેમણે સગૌરવ  ઉલ્લેખ કર્યો હતો. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સૈરાષ્ટ્ર યુનિવર્સિટીના છાત્રોને આંગળીના ટેરવે ઉપલબ્ધ બનેલી ટેકનોલોજીનો વિવેકપૂર્વકનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો. અભ્યાસલક્ષી પ્રવૃતિ ઉપરાંત કલા અને ઈતર પ્રવૃતિ થકી વિદ્યાર્થીઓને સર્વાગી વિકાસ સાધવા માટે ચુડાસમાએ છાત્રોને શીખ આપી હતી. દેશના રાષ્ટ્રપિતા પુજય ગાંધીજીના જીવનમાંથી પ્રેરણા લેવા તેમણે છાત્રોને અનુરોધ કર્યો હતો અને યુવાનો માટેની વિવિધ સરકારી યોજનાઓનો લાભ લેવા જણાવ્યું હતું. પ્રાર્થનાથી કાર્યક્રમનો શુભારંભ થયા બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડા.નીલાંબરીબેન દવેએ સ્વાગત પ્રવચનમાં યુનિવર્સિટીની કાર્યપ્રણાલિ પર પ્રકાશ પાડયો હતો.  મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોનું ફળોની ટોપલીથી સ્વાગત કરાયું હતું. યુનિવર્સિટીના  સન્ડિકેટ સભ્યોએ મુખ્યમંત્રીનું પુષ્પગુચ્છથી  સ્વાગત કર્યુ હતું.

Share This Article