નવી દિલ્હી : નોઇડામાં ચૂંટણી ફરજ ઉપર રહેલા પોલીસ જવાનોને નમો ફુડ પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યા બાદ ભારે હોબાળો મચી ગયો છે. આને લઇને ફરિયાદ પણ ઉઠી છે. ચૂંટણી ફરજ ઉપર રહેલા પોલીસ જવાનોને એક સ્થાનિક દુકાન પરથી નમો ફુડપેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. નોઇડામાં આજે સવારે સાત વાગે મતદાનની શરૂઆત થઇ હતી. ગૌત્તમબુદ્ધનગર મતવિસ્તાર હેઠળ નોઇડામાં મતદાન શરૂ થયું હતું. સાંજે છ વાગ્યા સુધી અહીં પ્રથમ તબક્કામાં મતદાન ચાલ્યું હતું. કેટલાક પોલીસ જવાનો જે ચૂંટણી ફરજ ઉપર હતા તેમને નમો ફુડ્સના લેબલ લાગેલા ફુડ પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે, નમો ફુડ શોપ પરથી આ ચીજવસ્તુઓ લેવામાં આવી હતી. કોઇપણ રાજકીય પક્ષ સાથે તેને કોઇ લેવા દેવા નથી. ફુડ પેકેટ્સ યોગ્યરીતે એક કારમાં લાવવામાં આવ્યા હતા અને સેક્ટર ૧૫એમાં ફરજ બજાવતા પોલીસ જવાનોને સવારે ૯.૩૦ વાગે આપવામાં આવ્યા હતા. ગૌત્તમબુદ્ધનગરના પોલીસ અધિકારી વૈભવ ક્રિષ્ણાનું કહવું છે કે, એવી ખોટી માહિતી ફેલાવવામાં આવી હતી કે, એક રાજકીય પાર્ટી તરફથી ફુડ પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રકારના અહેવાલ બિલકુલ ખોટા છે. સ્થાનિક સ્તર પર કેટલાક ફુડ પેકેટ્સ નમો ફુડ શોપથી લેવામાં આવ્યા હતા. કોઇ રાજકીય પાર્ટી પાસેથી લેવામાં આવ્યા ન હતા. કેટલાક લોકોએ એવી અફવા ફેલાવી હતી કે, રાજકીય દ્વેષભાવ સાથે ફુડ પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું છે. પોલીસે કહ્યું હતું કે, અફવા તરફ ધ્યાન નહીં આપવાની તેમની લોકોને અપીલ છે.