નવીદિલ્હી: રેલવેએ દેશના બે મોટા ટ્યુરિસ્ટ ડેસ્ટિનેશનને જોડવા માટે નૈનીતાલ-દહેરાદૂન ટ્રેન શરૂ કરી દીધી છે. વોલ્વો કરતા અડધા ભાડા ઉપર યાત્રા કરી શકાશે. નૈની-દૂન જનશતાબ્દી એક્સપ્રેસની શરૂઆત કરવામાં આવી છે. આ બંને શહેર ઉત્તરાખંડમાં સ્થિત છે. રેલવે મંત્રી પીયુષ ગોયેલે વિડિયો કોન્ફરન્સિંગ મારફતે આ ટ્રેનને લીલીઝંડી આપી હતી. ટ્રેનની શરૂઆતના સમયે રેલવે બોર્ડના ચેરમેન અશ્વિની લોહાણી અને રેલવે ટ્રાફિક બોર્ડના સભ્ય ગિરીશ પિલ્લઈ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત સાંસદ ભગતસિંહ કોશિયારી અને રાજ્યસભા સાંસદ અનિલ બલુની પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ટ્રેન શરૂ થઇ ગયા બાદ યાત્રીઓ વોલ્વોથી અડધી કિમતમાં દહેરાદૂનથી નૈનીતાલની યાત્રા કરી શકશે. ટ્રેન નંબર ૧૨૦૯૧ અને ૧૨૦૯૨ નૈની-દૂન એક્સપ્રેસ ગુરુવાર અને રવિવારને બાદ કરતા સપ્તાહમાં પાંચ દિવસ દોડશે. આ ટ્રેન રસ્તામાં આવનાર હલ્દવાની, રુદ્રપુર શહેર, મુરાદાબાદ, લાલકુવા, હરિદ્વારા અને નિઝામાબાદ સ્ટેશન ઉપર રોકાશે.
આ ટ્રેન ૭.૨૦ કલાકમાં ૩૩૪ કિલોમીટરનું અંતર કાપશે. ટ્રેન સવારે ૫.૧૫ વાગે નૈનીતાલથી રવાના થશે અને બપોરે ૧૨.૩૦ વાગે દહેરાદૂન પહોંચશે. સરકાર દેશમાં બે મહત્વપૂર્ણ પ્રવાસી સ્થળ દહેરાદૂન અને નૈનીતાલ વચ્ચે પ્રવાસને પ્રોત્સાહન આપવા માટે આ પ્રયાસ કરી રહી છે. ટ્રેન શરૂ થતાં પહેલા આની માંગ ઉઠી રહી હતી. નવી ટ્રેન શરૂ થયા બાદ વિકાસને પણ પ્રોત્સાહન મળશે. રેલવે મંત્રી પીયુષ ગોયેલે પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું હતું કે, આ રુટ ઉપર રુદ્રપુર અને મુરાદાબાદ જેવા પ્રમુખ ઇન્ડસ્ટ્રીયલ હબ હોવાથી મોટો ફાયદો થશે.